રાજકોટઃ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ જણાવ્યું હતું કે, જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નથી. આ સાથે જ તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત બાદ પાટીદાર સમાજનાં તમામ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવવા અંગેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસના નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પદભાર સંભાળ્યો ત્યારે તેમણે નરેશ પટેલના વખાણ કર્યા હતા. અને તેને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. તો બીજી બાજુ ભાજપ સરકારના મંત્રી બ્રીજેશ મેરજાએ નરેશ પટેલ ‘અમારા નેતા’ હોવાનું કહ્યું હતું. જેને લઈ પત્રકારો દ્વારા શું નરેશ પટેલ સક્રિય રાજકારણમાં ઝંપલાવશે તેવું પૂછવામાં આવ્યું હતું. જેનો જવાબ આપતા નરેશ પટેલે કહ્યું હતું કે, જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારી પાસે રાજકારણમાં આવી ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજની આસ્થાનાં કેન્દ્ર ગણાતા ખોડલધામ ખાતે ચૂંટણી સમયે અલગ-અલગ પક્ષોનાં નેતાઓ આવતા હોય છે. જે અંતર્ગત 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પણ ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનાં નેતાઓ હાલ એક પછી એક ખોડલધામની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે પ્રથમવાર રાજકારણમાં પ્રવેશનાં સંકેત આપ્યા છે. ગત ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જાન્યુઆરીમાં ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા. ઉમિયાધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે રાજકીય અને સામાજિક બાબતોમાં જ્યારે પાટીદાર સમાજની નોંધ લેવામાં આવતી નથી.