રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓ જે તે સમાજના મોભીઓને પોતાના તરફ ખેંચવા પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતમાં લેઉવા પાટિદાર સમાજના મતદારોનો મોટો સમુહ છે. ત્યારે લેઉવા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિકસમા ખોડલધામના અગ્રણીઓને પોતાના તરફ ખેચવા ભાજપ,કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા. ખોડલધામના એક ટ્રસ્ટીને ભાજપએ ટિકિટની ફાળવણી પણ કરી છે. દરમિયાન ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ તમામ રાજકીય પક્ષોને સમાન રાખશે. કોઈપણ પક્ષનો પ્રચાર કરશે નહી.
ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા છેલ્લા 6 મહિનામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ તમામ પક્ષને સમાન રાખી ચાલશે, મારા ઘણા અંગત મિત્રો રાજકારણમાં છે. હું એકેયના ચૂંટણી પ્રચારમાં જવાનો નથી. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, હું ખોડલધામ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દઈશ.
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમમાં હાજર રહ્યા છે. રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા ખોડલધામના એક ટ્રસ્ટી છે. ભાજપે તેમને ટિકિટ આપી છે. રમેશભાઈ પહેલેથી ભાજપ સાથે જોડાયેલા છે. ખોડલધામ તમામ પક્ષને સમાન રાખી જ્યાં જ્યાંથી લેઉવા પટેલ સમાજના ઉમેદવાર લડતા હોય તેને સાથ આપશે. ત્રણેય પક્ષમાં હજી ઘણીબધી ટિકિટ પણ ફાઈનલ થઈ નથી. આખું સમીકરણ તો 15 નવેમ્બર બાદ ખબર પડશે. મારું રાજકારણમાં જોડાવું એ ભૂતકાળ બની ગયો છે. આ વખતે હું રાજકારણમાં છું નહીં. મારા ઘણા બધા અંગત મિત્રો રાજકારણમાં છે અને તમામને શુભેચ્છા પાઠવું છું. રાજકિય પક્ષોએ અમારા બન્ને સમાજનું ધ્યાન રાખીને ટિકિટ આપી છે. હું ચૂંટણી પ્રચારમાં બિલકુલ જઈશ નહીં. સારા ઉમેદવારો રાજકારણમાં આવે અને સમાજનું કલ્યાણ કરવા ચૂંટાઈને આવે તેવી મા ખોડલને પ્રાર્થના. અમે કોઈના પ્રચારમાં જવાના નથી. હું ક્યારેય ઇશારો ન કરી શકું કે આની તરફ જાવ.
નરેશ પટેલે ઉમેર્યુ હતું કે, હું લગભગ બધા નેતાને મળતો જ હોઉં છું, લેઉવા પટેલ સમાજ દરેક પક્ષમાં હોય છે. હવે ખોડલધામમાં મહાસભાનો કોઈ પ્રશ્ન આવતો નથી. 21 જાન્યુઆરી અમારી મોટી તારીખ હોય છે અને આગામી 21 જાન્યુઆરીએ જ કાર્યક્રમ રાખીશું. ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ પણ સામાજિક ધર્મસભા થઈ નહીં શકે. ક્યારેય તેઓ પણ નહીં ઈચ્છે કે આપણે ખોડલધામના સ્ટેજ પર જઈએ. ખોડલધામના ટ્રસ્ટી અને રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, રાજકારણમાં જઈએ તો ખોડલધામમાંથી રાજીનામું દેવું એ સાચી વાત છે. મેં ટ્રસ્ટને કહ્યું જ છે કે, હું રાજીનામું આપી દઉં છું.