નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનની પ્રજા ભૂખમરાનો સામનો કરી રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે, લોકો પોતાની કિડની વેચવા મજબૂર છે. એક તરફ લોકો પાસે ખાવાના પૈસા નથી તો બીજી તરફ તસ્કરો ગરીબોની લાચારીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં દાણચોરો પૈસા માટે ગરીબોની કિડની વેચી રહ્યા છે.
પાકિસ્તાનમાં દાણચોરો આ દિવસોમાં કસાઈ બની ગયા છે. ગરીબીનો ફાયદો ઉઠાવીને તેણે અત્યાર સુધીમાં 328 લોકોની કિડની કઢાવી છે. નવાઈની વાત એ છે કે, એક કિડની લગભગ એક કરોડ રૂપિયામાં વેચાઈ રહી છે. પોલીસે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે દાણચોરો અહીંના ગરીબોની કિડની કાઢીને વિદેશમાં વેચી રહ્યા છે, જ્યાં તેમને પ્રત્યેક કિડની માટે લગભગ 30 લાખથી 1 કરોડ રૂપિયા મળી રહ્યા છે.
સ્મગલિંગ ગેંગના લીડર ફવાદ મુખ્તાર પર 300થી વધુ કિડની કાઢવાનો આરોપ છે. જોકે, પોલીસે આ પહેલા પાંચ વખત ફવાદની ધરપકડ કરી હતી, પરંતુ દરેક વખતે તે જામીન મેળવવામાં સફળ રહ્યો હતો. હાલ પોલીસે આ ગેંગના આઠ સભ્યોની ધરપકડ કરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન, તસ્કરોએ કબુલ્યું હતું કે તેઓ અમીરોને કિડની વેચતા હતા અને બદલામાં તેમની પાસેથી મોટી રકમ લેતા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ પંજાબ પ્રાંત સિવાય પીઓકેમાં પણ દાણચોરી કરતી ગેંગ સક્રિય છે. પોલીસે માહિતી આપી હતી કે, કિડની કાઢી નાખવાના કારણે ત્રણ લોકોના મોત થયા છે.