અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન આજે નલિયા સૌથી ઠંડુનગર રહ્યું હતું. નલિયામાં 5.8 ડીગ્રી જેટલું તાપમાન જેટલું રહ્યું હતું. રાજ્યના સાત જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી ઓછુ નોંધાયું હતું. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાયાં છે. રાજ્યમાં હજુ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ હતી. નલિયામાં 5.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 6.5, અમદાવાદમાં 9.7 ડિગ્રી, અમરેલી અને ડીસામાં પણ 10 ડિગ્રીથી ઓછુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ રાજ્યના સાત શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રીથી ઓછુ રહ્યું છે. ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. તેમજ રાતના લોકો વહેલા ઘરમાં પુરાઈ જાય છે અને જરૂર ના હોય તો બહાર જવાનું પણ ટાળી રહ્યાં છે. દરમિયાન આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની શકયતા જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરભારતમાં પહેલી હીમ વર્ષાના કારણે રાજસ્થાન, પંજાબ અને દિલ્હી સહિતના રાજ્યોમાં કાલિત ઠંડી પડી રહી છે. એટલું જ નહીં રાજસ્થાનના અનેક શહેરોમાં તાપમાનનો પારો માઈનસમાં પહોંચ્યો છે. આ ઉપરાંત દિલ્હીવાસીઓ પણ કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યાં છે. આમ ઉત્તર ભારતમાં કાલિત ઠંડીને કારણે જનજીવનને પણ અસર પડી છે.