જયપુરઃ ઉદેયપુરમાં શ્રમજીવીની કટ્ટરપંથીઓએ કરેલી હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે. દરમિયાન હત્યારાઓએ એક બે નહીં 26 જેટલા ઘા મારીને ક્રુરતાપૂર્વક હત્યા કર્યાંનું ખૂલ્યું છે. દરમિયાન મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, હત્યારાઓને ઝડપી લઈને ફાંસીની સજા આપવી જોઈએ નહીં તેઓ અન્ય કોઈ નિર્દોશને મારી નાખશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કન્હૈયાલાલના મૃતદેહનું પીએમ કર્યાં બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પીએમમાં તિક્ષણ હથિયારના 26 જેટલા ઘા મળી આવ્યાં હતા. કન્હૈયાલાલના મૃતદેહને પીએમ બાદ અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા. બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે શહેરમાં વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો.
શ્રમજીવીની કટ્ટરપંથીઓએ કરેલી હત્યા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. તેમજ 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવા ઉપર ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. આ હત્યા કેસને લઈને પોલીસે પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસની તપાસમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે. બે કટ્ટરપંથીઓએ પાકિસ્તાનમાં તાલિમ લીધી હોવાનું ખૂલ્યું છે. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.