મણિપુરમાં મહિલાઓ અને બાળકોની હત્યા માનવતા વિરુદ્ધ ગુનો છેઃ સીએમ સિંહ
નવી દિલ્હીઃ મણિપુરમાં ફરીથી હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન કુકી આતંકવાદીઓ દ્વારા છ લોકોની હત્યાની ઘટના પર, મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગુનેગારોને ન્યાય અપાવવામાં નહીં આવે ત્યાં સુધી તેમની સરકાર આરામ કરશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોના હત્યારાઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગયા અઠવાડિયે જીરીબામ જિલ્લામાં એક નદીમાંથી તમામ છ મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે મહિલાઓ અને બાળકોની હત્યા માનવતા વિરુદ્ધ ગુનો છે. બિરેન સિંહે શેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે.”
મુખ્યમંત્રીએ કહ્યું કે, “આવા બર્બર કૃત્યોને કોઈપણ સંસ્કારી સમાજમાં સ્થાન નથી. હું તમને આશ્વાસન આપું છું કે આ આતંકવાદીઓને જલ્દી જ ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. જ્યાં સુધી તેઓને તેમના અમાનવીય કૃત્યો માટે જવાબદાર ઠેરવવામાં ન આવે ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં.”