Site icon Revoi.in

કિરણ પટેલની વધુ એક કેસમાં ધરપકડ, મોરબીના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી

Social Share

અમદાવાદઃ  PMOમાં અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનારો આરોપી કિરણ પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. મોરબીના એક વેપારીને કિરણએ GPCBના લાઇસન્સ કઢાવાના બહાને લાખો રૂપિયા પડાવી લઈને છેતરપીંડી આચરી હતી. જો કે ઠગ કિરણ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી પરંતુ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપતા તેની શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ કેસમાં કિરણ પટેલની પત્ની માલિની ધરપકડ થઈ ચૂકી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનના કાર્યાલયમાં પોતે અધિકારી હોવાની ખોટી ઓળખાણ આપીને અનેક લોકોને ઠગનાર મહાઠગ કિરણ પટેલને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટથી જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કિરણ પટેલ વિરુદ્ધ મોરબીમાં કારખાનામાં પૈસાની લેતી દેતી મુદ્દે વેપારીએ 5 મેના દિવસે ફરિયાદ નોંધાવી છે. આ માટે મહાઠગે કિરણે GPCBના લાયસન્સ માટે ક્લાસ 1 અધિકારીની ઓળખ આપી હતી જેના પર પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, આરોપી કિરણ પટેલ સામે મોરબીના વેપારી ભરત પટેલ સાથે છેતરપીંડી કરવાનો આરોપ છે.  ઠગ કિરણ પટેલએ વેપારી ભરત પટેલ પાસે 42.86લાખ રૂપિયા લઇ કામ કર્યું ન હતું. કામ થયું ન હોવાથી પૈસા વેપારી પરત માંગતા ટુકડે ટુકડે 11.75 લાખ આપ્યા હતા. 31.11 લાખ રૂપિયા પરત ન આપતા છેતરપીંડી ફરિયાદ નોંધાઇ હતી.  ફરિયાદી સાથે મિટીંગ દરમિ.ન લાયસન્સની તમામ પ્રોસીઝર અને ફી મળી કુલ 40થી 45 લાખ જેટલા રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું. આરોપી કિરણ પટેલ ના રહેણાક સ્થળે જઇ રોકડા રૂપિયા 20 લાખ ચુકવેલ બાદ ટુકડે ટુકડે બીજા રૂપિયા મળી કુલ 40,36,000 આપ્યા હતાં. ત્યારબાદ આરોપી કિરણ પટેલે પોતાને પ્રોપર્ટી ખરીદવા માટે અઢી લાખ રૂપિયાની જરૂર છે. જે રૂપિયા તમને થોડા દિવસ પછી પરત આપી દઇશ તેમ જણાવી બીજા અઢી લાખ રૂપિયા લીધા હતાં. થોડા દિવસ પછી આ અઢી લાખ રૂપિયા પરત માંગતા પોતાની XUV ગાડી રાખવા આપેલ બાદ ગાડી પરત લઇ ચેક આપતા ફરિયાદીએ બેંકમા તપાસ કરતા તેના બેંક એકાઉન્ટ મા બેલેન્સ નહી હોવાનુ જાણવા મળ્યું હતું.  તેમજ સાત આઠ મહિના સુધી લાઇસન્સની પ્રોસેસ આગળ વધેલ નહી જેથી ફરિયાદીએ તપાસ કરતા કિરણ પટેલ કોઇ અધિકારી નથી અને ખોટુ ઓળખ આપી લાઇસન્સ કઢાવી આપવાના બહાને રૂપિયા લઇ લીધેલ હોવાની જાણ થતા કિરણ પટેલ ને મળી વાત કરતા પોતાને રૂપિયાની જરૂર હોવાથી આ કામ કરેલ છે હાલ રૂપિયા નથી થોડા સમય મા પરત આપી દઇશ તેવું કહ્યું હતું. જો આ રૂપિયા ના ચુકવી શકુ તો નારોલ ખાતે આવેલ પ્રોપર્ટી નો હક તમારો રહેશે તેવુ લખાણ પણ લખીને આપ્યું હતું. ફરિયાદીને જાણ થયેલ કે આ પ્રોપર્ટી વાંધા વાળી છે જેથી ફરિયાદીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા કિરણ પટેલે જણાવેલ કે ગમે તેમ કરીને રૂપિયા ચુકવી દઇશ તેમ કરીને સમાધાન કર્યું હતું.