અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં મેયર તરીકે કિરીટભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે. સામાન્ય પરિવારમાં જન્મેલા કિરીટભાઈને શહેરના પ્રતિષ્ઠિત નાગરિક તરીકે પસંદગી થતા તેઓ ભાવુક થયાં હતા અને બોલતા બોલતા ડુમો ભરાઈ ગયો હતો. તેમજ તેમણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશનના વિકાસના કામો નાનામાં નાના વર્ગ સુધી પહોંચડવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. અમદાવાદમાં પ્રથમ નાગરિક એટલે કે મેયરની પોસ્ટ એસસી માટે અનામત હોવાથી ભાજપના અનેક નામ ચર્ચામાં હતા. અંતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં અંતિ કિરીટ પરમારની મેયર તરીકે અને ડે. મેયર તરીકે ગીતા પટેલની પસંદગી કરવામાં આવી છે.
મેયર તરીકે પસંદગી બાદ કિરીટ પરમારે જણાવ્યું હતું કે, હું સામાન્ય પરિવારમાંથી આવું છે. ચાલીમાં મોટો થયો છું અને કોર્પોરેશનની સ્કૂલમાં જ અભ્યાસ કર્યો છે. સામાન્ય પરિવારમાંથી આવતી વ્યક્તિને ભાજપે શહેરની પ્રતિષ્ઠિત પોસ્ટ ઉપર બેસાડ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશનના વિકાસના કાર્યો નાનામાં નાના પરિવાર સુધી પહોંચાડીશું. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગરીબ પરિવાર સુધી પહોંચાડીશ. પાર્ટી સર્વોપરી છે અને મને ગર્વ છે કે હું સંધનો સ્વયંસેવક છું. સંધને જીવનમાં ઉતાર્યું છે અને પ્રજાની સેવા માટે મે લગ્ન પણ કર્યાં નથી.
અમદાવાદના નવનિમણુંક ડે.મેયર ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીના આદેશનું પાલન કરીશ. તેમજ અમદાવાદ શહેરની પ્રજાના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરીશ.