અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણી બાદ છેલ્લા કેટલાક દિવસથી નવા મેયરને ભાજપના કેટલાક નેતાઓના નામ ચર્ચા હતા. અંતે શહેરના પ્રથમ નાગરિક તરીકે કિરીટ પરમારની પસંદગી કરવામાં આવી છે. આવી જ રીતે ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. આવી જ રીતે વડોદરાના મેયર તરીકે કેયુરભાઇ રોકડીયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીનાં નામની જાહેરાત કરાઈ છે.
ગુજરાતમાં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ અમદાવાદના મેયરના તથા કમિટીના સભ્યોની નામની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં મેયર અને ડેપ્યુટી મેટર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટ અને શાસક પક્ષના નેતા તરીકે ભાજપ દ્વારા ભાસ્કર ભટ્ટની પસંદગી કરાઈ હતી. આવી જ રીતે વડોદરાનાં નવા મેયર તરીકે કેયુરભાઇ રોકડીયા, ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલ, દંડક તરીકે ચિરાગભાઇ બારોટ અને શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી કરાઈ છે.
અમદાવાદમાં પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરના નવા મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી માટે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમાં લંબાણ પૂર્વકની ચર્ચાના અંતે મેયર અને ડે. મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી.