અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનાથી પશુઓમાં લમ્પી વાઈરસનો રોગચાળો વકરી રહ્યો છે. ઘણાબધા દૂધાળા પશુઓ પણ લમ્પી વાયરસનો ભોગ બન્યા છે. પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓને તેના ભરડામાં લઈ લીધા છે ઉપરાંત ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ પગપેસારો કર્યો છે, ત્યારે કોંગ્રેસે માગ કરી છે કે લમ્પી વાયરસને મહામારી જાહેર કરવામાં આવે તેમજ આ વાયરસને કારણે મૃત્યું પામેલા પશુધનના માલિકોને SDRFની જોગવાઈ મુજબ વળતર આપવા માગ કરી છે. કિસાન કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનાથી પશુઓમાં લમ્પી નામનો રોગચાળો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સરકાર પણ એક્શનમાં આવી છે અને મુખ્યનંત્રી ભૂપેન્દ્ર પટેલે લમ્પી વાયરસને પગલે સંવેદનશીલ અભિગમ દર્શાવી આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા ખાસ સૂચનાઓ આપી છે. તેમજ અસરગ્રસ્ત જિલ્લામાં પશુ આરોગ્ય રક્ષા માટે પશુપાલન નિયામકને પૂરતા વેક્સિનેશન, દવાઓના જથ્થા સાથે વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સૂચનાઓ આપી છે. લમ્પી વાયરસે રાજ્યના 11 જિલ્લામાં કહેર વર્તાવ્યો છે. વાયરસનો સૌથી વધુ કહેર કચ્છમાં જોવા મળી રહ્યો છે.
ગુજરાત કિશાન કોંગ્રેસે 20 હજાર જેટલા લમ્પી વાયરસના કેસ નોંધાયા હોવાનો દાવો કર્યો છે. લમ્પી વારયસે પશુપાલકો અને ખેડુતોની ચિંતા વધારી દીધી છે. રાજકોટ જિલ્લામાં પણ લમ્પી વાયરસનો ફફડાટ છે, પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસથી મોતને ભેટેલા પશુઓના આંકડા તંત્રએ જાહેર કર્યા છે. સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધી કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસથી 1 હજાર જેટલા પશુઓના મોત નિપજ્યા છે સાથે જ જિલ્લા પંચાયત દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમામ ગ્રામ પંચાયતોએ વાયરસથી મૃત્યુ પામેલા પશુઓની માહિતી રાખવા આદેશ કરાયો છે સાથે જ તંત્રએ જિલ્લામાં પશુ નિષ્ણાતોની વધુ 16 ટીમની પણ સરકાર પાસે માગણી કરી છે, મહત્વનું છે કે જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કચ્છ જિલ્લામાં 20 હજારથી પણ વધુ પશુઓના મોત લમ્પી વાયરસથી થયા છે.