સુરતઃ શહેરમાં ઉત્તરાણને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં પતંગ-દોરીની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. ઉત્તરાણ યાને મકરસંક્રાંતિનું પર્વ આનંદ-ઉલ્લાસનું છે, પણ કોઈની જીન્દગીમાં આ પર્વ દુઃખ આપતું બની જતું હોય છે. પતંગોત્સવના આ પર્વમાં ધાબાઓ પર બાળકોની કાળજી રાખવી જરૂરી છે. શહેરમાં પાછલા 10 દિવસમાં બીજી એવી દુ:ખદ ઘટના બની છે જેમાં પતંગ ચગાવવાના ચક્કરમાં બાળકે જીવ ગુમાવ્યો હોય. શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં પતંગ પકડવા જતા એક બાળક પાંચમા માળેથી નીચે પડી ગયુ હતું. ગંભીર ઈજા થતાં બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ દુર્ઘટનાનો શિકાર બનેલા બાળકનું નામ રોહિત છે અને તેની ઉંમર આઠ વર્ષ હતી. મધ્યપ્રદેશથી આવેલા એક બાંધકામ મજૂરનો તે દીકરો હતો. એક ઈમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું ત્યાં પાંચમા માળે રોહિત પોતાના નાના ભાઈ કાળુ સાથે રમી રહ્યો હતો. તેણે નજીકના એક થાંભલા પર પતંગ ફસાયેલો જોયો. રોહિત થાંભલા પરથી તે પતંગ નીકાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ પ્રયત્ન દરમિયાન ઈમારતના બે ભાગ વચ્ચેના ગેપમાં તે પડી ગયો. રોહિતને ભારે ઈજા થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતુ.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરત શહેરમાં ઈચ્છાપોર પોલીસે આ બાબતે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. અને ઘટનાની તપાસ શરુ કરી છે. રોહિતના પિતા રમેશ ડામોર મધ્ય પ્રદેશના જાંબુવાના રહેવાસી છે. ઈચ્છાપોરમાં બની રહેલી સ્વસ્તિક હાઈટ્સ ઈમારતના બાંધકામમાં તેઓ મજુરી કામ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે 30મી ડિસેમ્બરના રોજ સુરતના અડાજણ વિસ્તારમાં એક છ વર્ષના બાળકે ધાબા પર પતંગ ચગાવતી વખતે સંતુલન ગુમાવ્યું અને પાંચમા માળેથી નીચે પડી ગયુ હતું. દુર્ભાગ્યવશ તે બાળકે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.