ગુજરાતમાં પતંગ વ્યવસાયને કોરોનાનું ગ્રહણઃ ઉત્પાદન 30થી 50 ટકા ઘટ્યું
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે હાઈકોર્ટે ઉત્તરાયણની ઉજવણીની મંજુરી આપી છે. પરંતુ રાજ્યના પતંગ ઉદ્યોગને પણ કોરોનાની અસર થઈ છે. પતંગ ઉત્પાદકોએ ઉત્પાદનમાં 30થી 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જેથી આ ઉદ્યોગના ટર્નઓવરમાં પણ ઘટાડો થવાની શકયતા છે. બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડો થતા પતંગના ભાવમાં પણ 15 ટકા સુધીનો વધારો થયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષે મકરસંક્રાંતિ ઉપર પતંગ અને આનુષંગિક વ્યવસાય રૂ. 1200 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતો થઇ ગયો છે. જોકે કોરોનાને લીધે ઉદ્યોગનું ટર્નઓવર આ વર્ષે 30થી 50 ટકા ઘટશે. અમદાવાદમાં પતંગ વ્યવસાય સાથે જોડાયેલા મનસુરભાઈએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ પતંગ ઓર્ડર દર વર્ષે વધે છે. જોકે આ વખતે દ્યટાડો નોંધાયો છે. જેથી ઉત્પાદનમાં 30 થી 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. ઉત્પાદન ઓછું કરતા જ ભાવમાં 15 ટકા સુધીનો વધારો પણ આવતો જોવા મળે છે. વડોદરામાં પણ આ વર્ષે કોરોનાના કારણે પતંગો ૫૦ ટકા જ બની છે.
ખંભાતને પગત ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે. અહીં ચાલુ વર્ષે પતંગો અને દોરીના કાચા માલની’ કિમતમાં ગયા વર્ષની સરખામણીમાં 20 ટકાનો વધારો થતા મંદીનો માહોલ છે. ખંભાતમાં 200 ઉપરાંત ગૃહ ઉદ્યોગમાં 2000 જેટલા કારીગરો ખંભાતી અને લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણેની પતંગ બનાવતાં હોય છે. જોકે ચાલુ વર્ષે પતંગ બનાવવામાં વપરાતા કાચા માલની કિંમતમાં 10થી 20 ટકાનો વધારો થયો છે.