અમદાવાદઃ શહેરમાં આ વખતે કોરોનાની અસર પતંગોત્સવ પર પડી રહી છે. જોકે સવારે ઠંડો પવન હોવાને લીધે લોકો ધાબા પર ચડીને પતંગો સાથે નીચે ઉતરી ગયા હતા. જોકે શહેરના પોળ વિસ્તારમાં સવારથી જ રંગબેરંગી પતંગોનો નજારો જોવા મળ્યો હતો. જ્યારે શહેરના પશ્વિમ વિસ્તારમાં આકાશમાં બહુ જુજ પતંગો જ ઉડતી જોવા મળી હતી. આ વખતે ડીજે વગાડવા પર પ્રતિબંધ મુક્યો હોવાને કારણે પણ પતંગરસિયાઓ નારાજ થયા છે, એ…. કાપ્યો છે..ના નારા સંભળાતા નથી
ગુજરાતમાં સતત બે વર્ષથી કોરોનાને કારણે ઉત્તરાયણની મજા ફિક્કી પડી ગઈ હતી. ત્યારે ડિસેમ્બરમાં કેસની સંખ્યા ઘટતાં પતંગરસિયામાં આ વર્ષે ધૂમધામથી ઉત્તરાયણ મનાવવાનો પ્લાન કરી રહ્યા હતા, પરંતુ કોરોનાની ત્રીજી લહેરે ફરી ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે, સાથે જ બે દિવસ કાતિલ ઠંડીની આગાહીને પગલે વહેલી સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાં ગણતરીના પતંગો જોવા મળી રહ્યા છે. જોકે ઠંડી ઓછી થતાં ફરી લોકોમાં ઉત્સાહ જોવા મળશે. તો બીજી તરફ, ધાબા પર લાઉડ-સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ લાદ્યો હોવાના સરકાર-પોલીસના નિર્ણયનો લોકોમાં ભારે રોષ છે.
રાજ્યમાં અમદાવાદ અને સુરતનો પતંગોત્સવ વખણાતો હોય છે. પતંગ ઉત્સવ એવો છે. કે બહારગામથી પણ પતંગરસિયાઓ પતંગોત્સવ મનાવવા માટે અમદાવાદ કે સુરતમાં આવતા હોય છે. અમદાવાદના પોળ વિસ્તારમાં આજે સવારે લોકો ઉત્સાહથી પતંગ ઉડાવી રહ્યા હતા. પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો છે.નાના બાળકો અને યુવાઓ અત્યારે મોટા ભાગના ધાબા પર જોવા મળી રહ્યા છે. 2 વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે. પરંતુ ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે. શહેરના પશ્વિમ વિસ્તારોમાં સવારે ઓછી પતંગો ઉડતી જોવા મળી હતી પણ બપોરે ઠંડી ઓછી થતા વધુ પતંગો ઉડશે તેમ લાગી રહ્યું છે.
ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિમાં પશુઓને ઘાસચારો અને જરૂરતમંદ લોકોને દાનનું વિશેષ મહાત્મ્ય છે.આ પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિભાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મકર સંક્રાંતિના અવસરે અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિ ભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને ગૌ માતા પૂજન કરીને ઘાસ નિરણ કર્યું હતું. તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.ભૂપેન્દ્ર પટેલે મંદિર વિસ્તાર માં વસતા સેવા વસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું.
(PHOTO-FILE)