દિલ્હીઃ આઈસીસી T-20 વિશ્વકપ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 ઈન્ટરનેશનલ સીરીઝ રમાશે. T-20 વિશ્વકપ બાદ T-20માંથી કપ્તાની છોડવાની જાહેરાત પહેલાથી જ વિરાટ કોહલીએ કરી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ ન્યૂઝીલેન્ડ સામેની T-20 સીરિઝ માટે કેટલાક ખેલાડીઓને આરામ આપવાનું વિચારી રહી છે. જેથી રોહત શર્મા, બુમરાહ અને કોહલીએને આરામ આપવામાં આવે તેવી શકયતા છે અને ટીમ ઈન્ડિયાની કમાન કે.એલ.રાહુલને સોંપવામાં આવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. રાહુલ IPLમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી સિનિયર ખેલાડીઓને થોડો પણ બ્રેક મળ્યો નથી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝથી લઈને T-20 વિશ્વકપ સુધી ટીમ ઈન્ડિયા સતત ક્રિકેટ રમતી જોવા મળી છે. BCCIના એક અધિકારીના જણાવ્યા અનુસાર સિનિયર ખેલાડીઓને થોડો આરામ આપવો જરૂરી છે. T-20 ફોર્મેટમાં કે.એલ.રાહુલ મહત્વનો ખેલાડી છે. જેથી બની શકે તે તેને કેપ્ટનશીપ સોંપવામાં આવે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તા. 17મી નવેમ્બરથી 21મી નવેમ્બર દરમિયાન 3 T-20 મેચ રમાશે. સિરીઝની પહેલી મેચ 17મી નવેમ્બરના રોજ જયપુર, બીજી મેચ 19મી નવેમ્બરના રોજ રાંચી અને ત્રીજી મેચ 21મી નવેમ્બરના રોજ કોલક્તામાં રમાશે. જે બાદ બન્ને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ પણ રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી સિરીઝમાં દર્શકોને પણ સ્ટેડિયમમાં આપવાની મંજૂરી મળી શકે છે.