- બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબર
- અમરનાથ યાત્રા 28 જુનથી થશે શરૂ
- 28 જૂનથી 22 ઓગષ્ટ સુધી છે યાત્રા
- 56 દિવસ ચાલશે અમરનાથ યાત્રા
- 14 એપ્રિલથી રજિસ્ટ્રેશન થશે શરૂ
શ્રીનગર: બાબા અમરનાથની વાર્ષિક યાત્રા આ વર્ષે 28 જૂનથી શરૂ થશે અને 22 ઓગસ્ટે પૂર્ણ થશે. કુલ મળીને 56 દિવસની બાબા અમરનાથની યાત્રા પર દેશ-વિદેશથી આવતા લાખો ભક્તોની સુવિધા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. અને ભક્તો 14 એપ્રિલથી રજિસ્ટ્રેશન કરાવી શકશે.
વાર્ષિક અમરનાથ યાત્રામાં આ વર્ષે આવતા યાત્રિકોની સલામતી સરકારની પહેલી પ્રાથમિકતા છે. આ જ કારણ છે કે, આ વખતે યાત્રા માર્ગ પર રેડિયો ફ્રીક્વન્સી દ્વારા મુસાફરોની દેખરેખ રાખવામાં આવશે. આ માટે સરકાર દ્વારા બેઇઝ કેમ્પ,બાલટાલ અને પહેલગામમાં આવશ્યક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. યાત્રા શરૂ કરતાં પહેલાં ભક્તોને ટેગ આપવામાં આવશે. આની મદદથી યાત્રા માર્ગ દરમિયાન તેમના પર સંપૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવશે. એવું એટલા માટે કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓને લગતી દરેક માહિતીનો ડેટા એકત્રિત કરી શકાય. જો આપતિજનક સ્થિતિમાં શ્રદ્ધાળુઓને કોઈ સહાયની જરૂર પડશે તો તરત જ તેમની મદદ અને ઉપસ્થિતિની સચોટ માહિતી મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે, બાબા અમરનાથની યાત્રા પહેલા કરતાં વધુ સફળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે છેલ્લા બે મહિનાથી આ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી નિતેશ્વર કુમારની અધ્યક્ષતામાં લગભગ પાંચ વખત બેઠક યોજાઈ ચુકી છે. જેમાં સીઇઓ નિતેશ્વર કુમારે યાત્રાળુઓની નોંધણી,હેલિકોપ્ટર સુવિધાઓ સહિત સુરક્ષા વ્યવસ્થા અને યાત્રા માર્ગ ઉપર લંગરો માટેની વ્યવસ્થા માટેની રૂપરેખા તૈયાર કરી છે.
-દેવાંશી