વધતી જતી મોંઘવારીના સમયમાં મોટાભાગના લોકોને રૂપિયાની જરૂર વધારે પડે છે. સામાન્ય વાત છે કે આજના સમયમાં વધારે પડતા કામમાં રૂપિયાની જરૂર પડે છે, જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે વ્યક્તિ બહાર નીકળે ત્યારથી લઈને ઘરે જાય ત્યાં સુધી ડગલે ને પગલે તેને રૂપિયાની જરૂર પડે છે આવામાં જ્યારે તે કોઈ પણ પ્રકારના આર્થિક સંકટમાં ફસાય ત્યારે તો લોન લેવાનું જ વિચારતો હોય છે.
જો કે લોન લેવી તેમાં કઈ ખોટું નથી, આજના સમયમાં મોટાભાગના કામ પણ લોન લઈને જ કરવા પડે છે એવામાં તે વાત જાણવી જરૂરી છે કે ઓછા વ્યાજ પર અને સરળ રીતે બેન્કમાંથી રૂપિયા કેવી રીતે મળી શકે.
આ સુવિધા બેંકની ઓવરડ્રાફ્ટ સુવિધા છે. સરકારી અને ખાનગી બંને બેંકો ઓવરડ્રાફ્ટની સુવિધા પૂરી પાડે છે. મોટાભાગની બેંકો આ સુવિધા કરંટ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝીટ (FD) પર આપે છે. જ્યારે કેટલીક બેંકો શેર, બોન્ડ અને વીમા પોલિસી જેવી એસેટ્સ સામે પણ ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. આ સુવિધા હેઠળ, તમે બેંકમાંથી તમને જોઈતા રુપિયા લઈ શકો છો અને આ રુપિયા પછીથી ચૂકવી શકો છો.
જો તમારી પાસે બેંકમાં કોઈ FD નથી, તો તમારે પહેલા બેંકમાં કોઈપણ સંપત્તિ ગીરવે મુકવી પડશે. તે પછી બેંકો તમને ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. આજકાલ ઘણી બેંકો પહેલાથી જ તેમના સારા ગ્રાહકોને ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. સેલેરાઈડ લોકોને પોતાના સેલેરી એકાઉન્ટ પર સરળતાથી ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.
બેંક નક્કી કરે છે કે તમે ઓવરડ્રાફ્ટ હેઠળ કેટલા રુપિયા ઉપાડી શકો છો. આ મર્યાદા એ વાત પર નિર્ભર કરે છે કે તમે બેંકમાં કેટલું કોલેટરલ એટલે કે કેટલી કિંમતની એસેટ્સ ગીરવે રાખી છે. પગાર અને એફડીના કિસ્સામાં બેંકો મર્યાદા વધારે રાખે છે. ઉદાહરણ તરીકે, જો તમે બેંકમાં રૂ. 2 લાખની FD કરી હોય, તો બેંક ઓવરડ્રાફ્ટ માટે રૂ. 1.60 લાખ (80%)ની મર્યાદા નક્કી કરી શકે છે. જ્યારે શેર અને ડિબેન્ચરના કિસ્સામાં આ મર્યાદા 40 થી 70 ટકા હોઈ શકે છે.
ઓવરડ્રાફ્ટની સુવિધા પર તમને કેટલું વ્યાજ ચૂકવવું પડશે, તે તમે બેંકમાં ક્યાર પ્રકારની એસેટ્સ મૂકી છે તેના પર આધાર રાખે છે. એટલે કે જે એસેટ્સ પર તમને ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી છે તેના આધારે જુદો જુદો વ્યાજ દર હોઈ શકે છે. આ ઉપરાંત તમે જે સમયગાળા માટે બેંકમાંથી પૈસા લો છો તે મુજબ તમારે વ્યાજ ચૂકવવું પડશે. આનો અર્થ એ છે કે જો તમે 25 ડિસેમ્બરે રુપિયા લીધા છે અને 25 જાન્યુઆરીએ ચૂકવ્યા છે, તો તમારે લગભગ એક મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે. જો તમે FD પર આ સુવિધા લીધી છે, તો તમારો વ્યાજ દર FD પરના વ્યાજ કરતાં 1 થી 2 ટકા વધુ રહે છે. શેર સહિત અન્ય એસેટ્સના કિસ્સામાં આ સુવિધા માટેનો વ્યાજ દર થોડો વધારે હોઈ શકે છે.