વિશ્વ જળ દિવસ – 2021.. જાણો તેનું મહત્વ અને ઉજવણી કરવા પાછળનો ઈતિહાસ
- આજે 22 માર્ચ એટલે કે ‘વિશ્વ જળ દિવસ’
- લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો દિવસ
- આ વર્ષની થીમ વેલ્યુઇંગ વોટર છે
આજે વિશ્વ જળ દિવસ છે. ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે. એવા સમાચારો વારંવાર વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતા નથી. આ વાત જ્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા કહેવાઈ ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે. સમગ્ર વિશ્વમાં ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે
વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે શરૂ થઈ?
વિશ્વને પાણીની જરૂરિયાતથી જાગૃત કરવા માટે સયુંકત રાષ્ટ્રએ વિશ્વ જળ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. વર્ષ 1992માં રિયો-ડિ-જેનેરોમાં આયોજિત પર્યાવરણ તથા વિકાસ પર રાષ્ટ્ર સંમેલનમાં વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત થઇ હતી, જેનું આયોજન પહેલીવાર વર્ષ 1993માં 22 માર્ચના રોજ થયું હતું.
જળ દિવસની ઉજવણીનો હેતુ શું છે?
વિશ્વ જળ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. તેના દ્વારા ઘણા કાર્યો કરવામાં આવે છે અને તેના અભાવથી ઘણી પ્રવૃત્તિઓ ઠપ્પ થઇ શકે છે, જે મહત્વની બાબતોને સમજાવવા માટેનો તેનો હેતુ છે.
વિશ્વ જળ દિવસ 2021 માટે થીમ
દર વર્ષે વિશ્વ જળ દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ વેલ્યુઇંગ વોટર છે, જેનો ઉદ્દેશ લોકોને પાણીના મહત્વને સમજાવવાનો છે. વિશ્વના ઘણા દેશો એવા છે કે, જ્યાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી અને પછી લોકોને ગંદા પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ રીતે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે
દર વર્ષે વિશ્વ જળ દિવસ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. ભાષણો, કવિતાઓ અને વાર્તાઓ દ્વારા લોકોમાં જળસંગ્રહ અને તેનું મહત્વ સમજાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તમામ પ્રકારના ફોટોગ્રાફ્સ અને પોસ્ટરો વહેંચાયેલા છે, જેનો ઉદ્દેશ લોકોને પાણીના મહત્વને સમજાવવાનો છે.
-દેવાંશી