T-20 વર્લ્ડ કપમાં એક બાદ એક મોટા ઉલટફેર, ગ્રુપ પ્રમાણે પોઇન્ટ ટેબલના સમીકરણો જાણો
નવી દિલ્હીઃ Group A માં USAએ પાકિસ્તાનને હરાવ્યા બાદ કેનેડાએ આયરલેન્ડને હરાવીને અપસેટ સર્જયો છે. કેનેડાની આ જીતથી T-20 વર્લ્ડકપના પોઈન્ટ ટેબલમાં જબરદસ્ત હલચલ જોવા મળી છે. કેનેડાની આ જીતે ગ્રુપ Aમાં સામેલ બે ટીમોનું ટેન્શન વધારી દીધુ છે. પાકિસ્તાનની ટીમ પર તો બહાર થઈ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કેનેડાની ટીમ આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પછાડી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેની પાસે 2 મેચ બાદ 2 જ પોઈન્ટ છે. પાકિસ્તાને અત્યાર સુધી એક જ મેચ રમી છે. આવી સ્થિતિમાં તેની પાસે 0 પોઈન્ટ અને 0 નેટ રન રેટ છે. પાકિસ્તાની ટીમનું ટેન્શન અહીં જ સમાપ્ત નથી થતું. ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ થશે તો પાકિસ્તાનની ટીમ પર વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો છે.
Group B: વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ T20 વર્લ્ડકપ 2024માં ખતરામાં છે. ઈંગ્લેન્ડની ટીમની એક ભૂલ તેને વર્લ્ડકપમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે.
4 જૂને ઇંગ્લેન્ડની મેચ સ્કોટલેન્ડ સામે હતી, વરસાદના કારણે આગામી મેચ રમાઈ શકી ન હતી. મેચ ન યોજાવાને કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવમાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેનો રન રેટ હજુ પણ 0.00 છે. સ્કોટલેન્ડ અત્યારે આ ગ્રુપમાં 3 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. T20ના સુપર-8 ગ્રૂપમાં પ્રવેશવા માટે ઈંગ્લેન્ડે પોતાની ત્રણેય મેચ જીતવી પડશે. આ મેચ ઓસ્ટ્રેલિયા, ઓમાન અને નામિબિયા સાથે રમાવાની છે. હવે જો ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારે છે તો સુપર-8માં જવા માટે ઈંગ્લેન્ડ માટે સારો રન રેટ રાખવો સૌથી મહત્વપૂર્ણ રહેશે.
Group C માં ન્યૂઝીલેન્ડ સામે કેપ્ટન રાશિદ ખાનના શાનદાર પ્રદર્શનને કારણે તે હવે T20 વર્લ્ડ કપના સુપર-8 માટે ક્વોલિફાય થવાની નજીક છે. ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. હવે તેને વેસ્ટ ઈન્ડિઝ અને પાપુઆ ન્યુ ગિની સામે ટક્કર આપવાની છે. જો તે એક પણ મેચ જીતી જાય છે તો તે સુપર-8માં જવાનું લગભગ નિશ્ચિત થઈ જશે. હવે ન્યુઝીલેન્ડને સુપર-8 માટે ક્વોલિફાય થવા માટે આગામી ત્રણ મેચ મોટા અંતરથી જીતવી પડશે અને તેની એક મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે થશે.
Group D ના રોમાંચક મુકાબલામાં જીત સાથે બાંગ્લાદેશે શ્રીલંકા સામે સુપર-8 માટે દાવેદારી નોંધાવી છે. શ્રીલંકા સતત બીજી મેચ હાર્યું છે. અગાઉ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે આ ગ્રુપમાં દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ અને બાંગ્લાદેશ 1-1 મેચ જીતીને 2-2 પોઇન્ટ સાથે રોચક સ્થિતિમાં છે. દક્ષિણ આફ્રિકા +1.048 ની રણ રેટ સાથે આ ગ્રુપમાં સુપર-8 ની સૌથી મજબૂત દાવેદાર કહી શકાય એમ છે.