આપણા દેશમાં વાતવાતમાં ધર્મને લાવવામાં છે. ધર્મ વિષે વાત કરવી સરળ છે, ધર્મને સમજવો સરળ નથી. ધર્મને સમજીને પચાવવો તેનાથી પણ વધુ મુશ્કેલ છે, પરંતુ સૌથી વધુ કિઠન છે ધર્મને જીવવો. ધર્મમય જીવવું જેટલું કિઠન લાગે છે તેટલું જીવ્યા પછી સરળ પણ લાગે છે. બિલકુલ તેના જેવું કે જ્યારે કોઈ પહેલીવાર સાઈકલ શીખવા જતો હોય અને તેને લાગે કે આનાથી અઘરું કામ દુનિયામાં બીજું કોઈ નથી, કારણ કે જેવો તે બે પૈડાંના વાહન પર બેસે છે તેવો ડગમગવા માંડે છે અને પડી જાય છે.
પરંતુ જો એકવાર ધર્મને જીવવાનું શરૂ કરી દેવામાં આવે તો લહેરાતી જતી સાઈકલની મસ્તી જેવું અનુભવાય છે. જીવનમાં ધર્મ મહામૂલા કીમતી હીરા જેવો છે. જેમને હીરાની ખબર નથી તેઓ જિંદગીભર કાંકરા-પથ્થરો જ વીણશે. પહેલાં તો આપણે ઝવેરી જેવી આપણી ર્દિષ્ટ રાખીએ. જેથી ધર્મને હીરાની માફક પારખી શકીએ. બાકી આપણે હીરાને પણ કાંકરા-પથ્થર સમજીશું.
ધર્મમાં અનુશાસન અત્યંત જરૂરી છે. એ અનુશાસન શાસ્ત્રનું, સદ્ગુરુનું, માતા પિતાનું, વડિલોનું કે હિતૈષિનું હોય. મોટેરાની સલાહ લઈ કરેલા કામમાં ક્યાંક રહી જાય તો ખિન્નતા નહીં આવે અને સફળ થશું તો અભિમાન નહીં થાય. કારણ કે યોગ્ય વ્યક્તિઓની મદદથી લઈને કરેલું છે ને!
આપણને કોઈનો આધાર છે. આપણે ઈશ્વરમાં શ્રદ્ધા ને ઈશ્વરનું શરણ લઈને ધર્મના માર્ગે ચાલશું તો આપણી કાર્યશક્તિ વધશે, ક્ષીણ નહીં થાય, જ્યાં વડીલોનો, સુજ્ઞાપુરુષોનો આધાર નથી ઓથ નથી ત્યાં સફળતા વિશે સાશંક થઈશું, કામ પાર પાડવા વિશે, એના પૂરા થવા વિશે શંકા ઉભી થશે અથવા એના ફળની આશા નહીં રહે તો આપણે નિષ્ક્રિય થઈ જશું આપણી પરમ શક્તિનો લોપ થશે તેથી ધર્મ અનુશાસન સાથે સાથે ઈશ્વરનાં આધાર અને ઓથની પણ જરૂર પડે છે.