રાજ્યની જેલોમાં તપાસ અંગે શું કહેવું છે પોલીસ વડાનું જાણો….
અમદાવાદઃ રાજ્યની 17 જેટલી જેલમાં 1700થી વધારે પોલીસ અધિકારી-કર્મચારીઓએ સાગમડે દરોડા પાડીને તપાસ કર્યાં હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન કેટલીક જેલોમાંથી મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યની જેલોમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ ચાલે છે કે કેમ તેની તપાસ માટે આ દરોડા પાડવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી હર્ષ સંઘવીના નેતૃત્વમાં 17 જેલમાં 1700 જેટલા અધિકારી-કર્મચારીઓ તપાસ કરી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની જેલમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ ચાલે છે કે કેમ, તેમજ તેની ઉપર અંકુશ મેળવવા આ કાર્યવાહી કરાઈ રહી છે. આ ઉપરાંત વિવિધ જેલમાં બંધ કેદીઓ કેવી અવસ્થામાં છે અને તેમને નિયમ અનુસાર સગવડ મળે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની સંડોવણી સામે આવી છે. અતિક અહેમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. જ્યારે તેનો ભાઈ અશરફ બરેલી જેલમાં સજા ભોગવી રહ્યાં છે. અતિક અહેમદ અને અશરફે સાગરિતો સાથે મળીને કાવતરુ ઘડ્યાનું ખૂલ્યું હતું. સમગ્ર પ્રકરણમાં સાબરમતી જેલનું કનેક્શન સામે આવ્યું છે. જેથી વિવિધ અટકળો વહેતી થઈ છે. દરમિયાન રાજ્યની વિવિધ જેલોમાં દરોડાની કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાયો છે.