ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને લીધે 10મી જાન્યુઆરીથી બે દિવસ ક્યા રસ્તાઓ રહેશે બંધ, જાણો
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી તા.10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવશે. કેટલાક રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગાંધીનગર ખ રોડ અને ગ રોડ મહાનુભાવો માટે આરક્ષિત કરાયો છે. એક સેક્ટરમાંથી બીજા રોડમાં જઈ શકાશે. ભારે વાહનો માટે નાના ચીલોડાથી વૈષેણવદેવી તરફ જઈ શકાશે નહિ. બંધ કરાયેલા રસ્તાઓ માટે ડાયવર્ઝન ઉભું કરાયું છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2024ને હવે ગણતરીના દિવસ જ બાકી છે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ બિઝનેસ સમિટ યોજાશે. સમગ્ર કાર્યક્રમમાં ટ્રાફીક નિયમન માટે અલગ અલગ રૂટના ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જે અંતર્ગત જાહેરનામાં પ્રસિદ્ધ કરાવવામાં આવ્યા છે. જાહેરનામાં અંતર્ગત ભારે વાહન માટે અમદાવાદ રીંગરોડ ઉપર નાના ચીલોડાથી વૈષ્ણોદેવી સુધી તેમજ ઝુંડાલથી એપોલો સર્કલ તરફ જતો માર્ગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. નાના ચીલોડાથી સેક્ટર-30 સર્કલથી ક-7 ઉવારસદ થઇ બાલાપીર દરગાહ તરફ ડાયવર્ઝન અપાયુ છે. તેમજ એપોલો સર્કલથી અને તપોવન સર્કલ તરફથી આવતાં ભારે વાહનો ઝુંડાલ સર્કલ થઇ ઉવારસદ ગામથી વાવોલ ગામ થઇ ક-7થી સેક્ટર-30 સર્કલ થઇ મોટાં ચીલોડા તરફ ડાયવર્ટ કરવામાં આવશે. ગાંધીનગરમાં ઇન્ટર્નલ ડાયવર્ઝનમાં 1થી 7 નંબરના રોડનો ઉપયોગ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તથા મહાત્મા મંદિરની મુલાકાત લઈ રહેલા મહાનુભાવોની અવર-જવર માટે ‘ખ’ તેમજ ‘ગ’ રોડને આરક્ષિત કરવામાં આવ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રિન્સ 9 જાન્યુઆરીએ સંયુક્ત રોડ શો કરશે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી બંને મહાનુભાવોનો ભવ્ય રોડ શો નીકળશે. મહાનુભાવોના આગમનને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ આરંભી દેવાઈ છે.