Site icon Revoi.in

અમદાવાદના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટે જાણો કોના નામ છે, ચર્ચામાં

Social Share

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત પદાધિકારીઓની મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે મ્યુનિ.ના મહત્વના ગણાતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ મેળવવા માટે ભાજપના કેટલાક વગદાર કોર્પોરેટર દ્વારા લોબિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે  ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ, પાલડીના કોર્પોરેટર જૈનિક વકીલ, મહાદેવ દેસાઈ વગેરેના નામો ચર્ચામાં છે. આ ઉપરાંત મેયર તરીકે આ વખતે મહિલા અનામત હોવાથી શાહીબાગ વોર્ડના મહિલા કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગા, નારણપુરા વોર્ડના કોર્પોરેટર ગીતાબહેન પટેલ, લાંભા વોર્ડના કોર્પોરેટર ડો. ચાંદની પટેલ અને વાસણા વોર્ડના સ્નેહાકુમારી પરમારના નામ ચર્ચામાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 8500 કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ મેળવવા માટે ખેંચતાણ શરૂ થઈ છે. આ વર્ષે મેયરપદ મહિલા અનામત હોવાથી ભાજપના અલગ અલગ ગ્રુપોએ પોતાના સોગઠાં ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. 9મી સપ્ટેમ્બરે અમદાવાદને નવા મહિલા મેયર મળી જશે. મ્યુનિના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 5 મહિલાઓને મેયર પદની લોટરી લાગી છે. જેમાં 1995માં ભાવનાબેન દવે, 1999માં માલિનીબેન ભરતગીરી, 2003 અનીષાબેન મિરજા અને 2013માં મીનાક્ષીબેન પટેલ અને 2018 માં બિજલ પટેલને ફાળામાં મેયર પદ ગયું હતું. ગુજરાતની સૌથી મોટી પાલિકા હોવાથી અમદાવાદના મેયર પદ માટે રસાકસી જામી છે.  ભાજપ પાસે બહુમતી હોવાથી મહિલા કોર્પોરેટર મેયરના પદ પર બેસે તે નક્કી જ છે. અમદાવાદના મેયર કોણ બનશે એ નક્કી કરવાનું ભાજપ સંગઠનના હાથમાં હોવાથી જૂથવાદ વધુ વકરે તેવી સંભાવના પણ છે. કારણ કે અમદાવાદના મેયર કોણ બનશે એ ભાજપના તમામ જૂથોને રસ છે.

અમદાવાદ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટની ટર્મ પૂર્ણ થઈ રહી છે. બારોટને ચેરમેનપદે રિપીટ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. ચેરમેનપદે ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ, પાલડીના કોર્પોરેટર જૈનિક વકીલ, સિનીયર કોર્પોરેટર મહાદેવ દેસાઇ વગેરેના નામ ચર્ચાઈ રહ્યા છે. જો કે પાટીદાર અથવા વણિક-જૈન સમાજના કોર્પોરેટરને પણ સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ મળી શકે તેમ છે. જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બદલાય તો મેયર પદનું ગણિત પણ બદલાઈ શકે છે. આમ 9 મી સપ્ટેમ્બર પહેલાં ભાજપમાં મોટી નવાજૂની થાય તો પણ નવાઈ નહીં, કારણ કે આ બંને પદો કયા જૂથના ફાળામાં જાય છે એ પણ અતિ અગત્યનું છે.

શહેરના મહિલા મેયર તરીકે નારણપુરાના કોર્પોરેટર ગીતાબહેન પટેલ, શાહીબાગ વોર્ડના કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગા, લાંભા વોર્ડના ડો. ચાંદની પટેલ તેમજ ક્ષત્રિય સમાજમાંથી વાસણા વોર્ડના સ્નેહાકુમારી પરમાર પણ રેસમાં છે.