ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે, તે વાતથી ભારતમાં તો લગભર બધા જાણકાર હશે, પણ તેમાં પણ કેટલાક નિયમ અને એવી વાત છે જે લોકોને ખબર હશે નહીં. વાત એવી છે કે શ્રીકૃષ્ણને જે 56 ભોગ ધરાવવામાં આવે છે અને કમળ વચ્ચે અલગ કનેક્શન છે.
જાણકારોના કહેવા પ્રમાણે એક અન્ય માન્યતા અનુસાર, ગૌલોક ધામમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધિકાજી સાથે એક દિવ્ય કમળ પર બિરાજે છે. આ કમળના 3 સ્તર હોય છે. જેમાં પ્રથમ સ્તરમાં 8, બીજા સ્તરમાં 16 અને ત્રીજા સ્તરમાં 32 પાંખડીઓ હોય છે. દરેક પાંખડી પર એક પ્રમુખ સખી વિદ્યમાન હોય છે અને મધ્યમાં ભગવાન સ્વયં બિરાજે છે. આ રીતે કમળ પુષ્પની કુલ પાંખડીઓની સંખ્યા 56 હોય છે. ત્યારે છપ્પન ભોગની 56 સંખ્યાનો અર્થ એ જ થાય છે કે, તેનાથી ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સખીઓ સાથે તૃપ્ત થાય છે !
અન્ય એક માન્યતા અનુસાર ‘કમળ’ એ બ્રહ્મનું પ્રતિક છે. તેના ત્રણ સ્તર એ ત્રણ લોકનું પ્રતિક છે. પુષ્પની પ્રથમ સ્તરની આઠ પાંખડી શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બીજા સ્તરની સોળ પાંખડી એ સોળ શણગાર અને સોળ કળાનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતની બત્રીસ પાંખડી એ શરીરના બત્રીસ કોઠાનો નિર્દેશ કરે છે.
56 ભોગમાં પંજરીના પ્રસાદની સાથે સાથે અનાજ, ફ્રૂટ્સ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, પીણા, નમકીન અને અથાણા જેવી ચીજો પણ સામેલ હોય છે. મોટાભાગે લોકો 20 પ્રકારની મીઠાઈઓ, 16 પ્રકારના નમકીન અને 20 પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ધરાવે છે. માખણ, ખીર, બદામનું દૂધ, ટિક્કી, મગની દાળનો હલવો, જલેબી, રબડી, મઠરી, માલપુઆ, મોહનથાળ, ચટણી, ભજિયા, ખીચડી, પૂરી, ગળ્યો ભાત, દાળ, બટાકાનું શાક, પાપડ, દહીં, કઢી, ઘેવર, ચિલ્લા, રીંગણનું શાક વગેરે 56 ભોગમાં મુખ્ય હોય છે.
ઉલ્લેખનીય છે કે આ લેખને માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.