ધોરણ 10ની ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્યમાં જ્ઞાન સહાયકો પણ સેવા આપી શકશે, બોર્ડે લીધો નિર્ણય
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાના તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાની સાથે જ ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. પેપર ચકાસણી માટે શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર પણ થઈ ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી તે જ્ઞાન સહાયક મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીમાં ધોરણ 10ના મૂલ્યાંકનમાં જોડાવા ઈચ્છે તો તે પણ આ કામમાં જોડાઈ શકશે અને પેપર ચકાસણી કરી શકશે.એવો બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં જ્ઞાન સહાયકોને જણાવવામાં આવ્યું છે કે, વિવિધ વિષયોના જ્ઞાન સહાયકો શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ધોરણ 10માં ભણાવવાનો અનુભવ હોય અને મૂલ્યાંકન કામગીરીમાં જોડાવું હોય તો સ્કૂલના આચાર્યની સહી સિક્કા વાળું લેટર હેડ પર તમામ શૈક્ષણિક વિગતો અને છેલ્લા પગારની સંપૂર્ણ વિગતો દર્શાવી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકને આપીને આ કામગીરીમાં જોડાઈ શકશે. મહત્વનું છે કે મૂલ્યાંકન કામગીરીમાં પ્રથમ વખત જ્ઞાન સહાયક માટે છૂટ આપવામાં આવી છે.
આ ઉપરાંત જે શિક્ષકોના ઓર્ડરના થયા હોય તે શિક્ષક સ્વેચ્છાએ મૂલ્યાંકન કામગીરીમાં જોડાવવા ઈચ્છે તો સ્કૂલના આચાર્યની સહી સિક્કાવાળા લેટર હેડ પર શૈક્ષણિક વિગતો, અનુભવ, છેલ્લા પગારની સંપૂર્ણ વિગત દર્શાવી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકને આપીને જોડાઈ શકશે. આ ઉપરાંત કોઈ શિક્ષકોને જે વિષય હોય તેના કરતા અન્ય વિષયનો ઓર્ડર થયો હોય તો તે અંગે અરજી કરી મૂલ્યાંકનના નિયામકને જાણ કરી કામગીરી કરી શકશે.