વર્ષ 2013-14માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં કોહલીની ઈનિગ્સ મારી દ્રષ્ટીએ સર્વશ્રેષ્ઠઃ શર્મા
નવી દિલ્હીઃ શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી-20 સિરીઝમાં ભારતનો વિજય થયો છે. હવે બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. શુક્રવારે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની 100મી ટેસ્ટ છે. એટલું જ નહીં તેઓ આ ટેસ્ટમાં 38 રન બનાવશે તો ટેસ્ટ ક્રિકેટમાં 8 હજારથી વધુ રન કરનારો છઠ્ઠો ક્રિકેટર બનશે.
દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મેચના એક દિવસ પહેલા કહ્યું કે, ‘2013માં વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં ફટકારેલી સદી મારા માટે તેની શ્રેષ્ઠ ટેસ્ટ મેમરી છે. તે તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ હતી. હકીકતમાં, 2013-14માં જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી, ત્યારે રોહિત ટેસ્ટ ટીમની અંદર અને બહાર જતા રહ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચ 18 ડિસેમ્બરથી જોહાનિસબર્ગમાં રમાઈ હતી. ભારતે ટોસ જીતીને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શિખર ધવન (13), મુરલી વિજય (6) અને ચેતેશ્વર પૂજારા (25)ને સસ્તામાં આઉટ કરવામાં આવ્યા હતા. વિરાટે 119 રનની ઇનિંગ રમી હતી. જોહાનિસબર્ગની ઉછાળવાળી પીચ પર વિરાટે જે રીતે ડેલ સ્ટેન, વર્નોન ફિલેન્ડર અને મોર્ને મોર્કેલની ઝડપી બોલ રમી તે જોવું અદ્ભુત હતું. આ જ મેચની બીજી ઇનિંગમાં વિરાટે 96 રનનું યોગદાન આપ્યું હતું. તે મેચમાં રોહિતે બંને દાવમાં અનુક્રમે 14 અને 6 રનનું યોગદાન આપ્યું હતું. આવતીકાલની ટેસ્ટ વિરાટ કોહલી માટે ખાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.