ઉત્તરપ્રદેશઃ શાહજહાંપુર-દિલ્હી હાઈવે પરનો કોલાઘાય બ્રિજ થયો ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી
લખનૌઃ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરને દિલ્હીથી જોડતા હાઈવે પર સ્થિત કોલાઘાટ બ્રિજ તૂટી પડ્યો હોવાનું જાણવા મળે છે. જલાલાબાદ પોલીસ સ્ટેશન પાસે રામગંગા કોલાઘાટ પુલનો એક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. અકસ્માત સમયે એક કાર પુલ પરથી પસાર થઈ રહી હતી, જે અધવચ્ચે ફસાઈ ગઈ હતી. કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને કારણે શાહજહાંપુર-બદાયુન રોડ પર વાહન વ્યવહાર થંભી ગયો છે. બ્રિજ તુટી જવાની ઘટનાને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી.
શાહજહાંપુર જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દર વિક્રમ સિંહે કહ્યું કે પુલનો એક પગ પહેલાથી જ ધરાશાયી થઈ ગયો હતો. તેનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સફળ થયું ન હતું અને તેના કારણે પુલનો એક ભાગ નીચે પડી ગયો હતો. એન્જિનિયરો ઘટનાસ્થળે દોડી જઈને પુલને સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. વર્ષ 2007માં બસપાના શાસન દરમિયાન બનેલો કોલાઘાટ પુલ શાહજહાંપુરને બદાઉનથી જોડે છે. આ બ્રિજ ટ્રાફિકથી સતત ધમધમતો રહે છે. આ પુલ ઘણા વર્ષોથી જર્જરિત હતો. ગયા મહિને જ આ પુલ અધવચ્ચે જ તૂટી પડ્યો હતો. આ પછી, તેના પર એક અઠવાડિયાથી વધુ સમય સુધી સમારકામનું કામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પુલની બંને તરફ પાકી દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ પુલની તપાસ ન થવાના કારણે આ અકસ્માત થયો હતો.