કોલકતા: 8મી જાન્યુઆરીએ શાહરૂખ ખાન વર્ચ્યુઅલ માધ્યમથી ફિલ્મ મહોત્સવના ઉદ્દઘાટન સમારોહમાં સામેલ થશે
- 26મો કોલકતા ફિલ્મ મહોત્સવ 8 જાન્યુઆરીથી
- ઉદ્દઘાટન સમારોહમાં સામેલ થશે શાહરૂખ ખાન
- ફિલ્મ મહોત્સવમાં 131 ફિલ્મો દેખાડવામાં આવશે
કોલકતા: તારીખ 8થી 15 જાન્યુઆરી વચ્ચે 26 માં કોલકતા ફિલ્મ મહોત્સવનું આયોજન થવાનું છે. ફિલ્મ મહોત્સવના ઉદ્દઘાટન સમારોહમાં બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન ઉપસ્થિત રહેશે.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 8 મી જાન્યુઆરીએ શાહરૂખ ખાન વર્ચ્યુઅલ માધ્યમથી ફિલ્મ મહોત્સવના ઉદ્દઘાટન સમારોહમાં સામેલ થશે. હાલ કોરોનાનો કહેર યથાવત છે. આપણે તેના પર જીત મેળવીશું,પરંતુ શો જારી રહેવો જોઇએ. અમે નાના સ્તરે કોલકતા ફિલ્મ મહોત્સવ 2021 નું આયોજન કરી રહ્યા છીએ. અમને ખુશી છે કે, શાહરૂખ ખાન વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્દઘાટન સમારોહમાં સામેલ થશે. કોલકતા ફિલ્મ મહોત્સવમાં શાહરૂખ ખાન દર વર્ષે આવે છે, પરંતુ આ વર્ષે તે વર્ચ્યુઅલ માધ્યમથી સમારોહમાં ભાગ લેશે.
કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્દઘાટન સમારોહ દરમિયાન સત્યજીત રેની ફિલ્મ ‘અપુર સંસાર’નું ‘સ્ક્રિનિંગ’ કરવામાં આવશે. 7 દિવસીય મહોત્સવની શરૂઆત બે દિગ્ગજ લોકો – સત્યજીત રે અને સૌમિત્ર ચેટર્જીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે થશે.
મહોત્સવ દરમિયાન કુલ 131 ફિલ્મો શહેરના વિવિધ સિનેમાઘરોમાં દેખાડવામાં આવશે. જેમાં નંદન અને રવિન્દ્ર સદન પણ સામેલ હશે. આ ફિલ્મોમાં ફીચર,શોર્ટ ફિલ્મો અને ડોક્યુમેન્ટરી સામેલ હશે. તેની ટિકિટ ઓનલાઇન મળશે.