Site icon Revoi.in

કોલાકાતાઃ મહિલા તબીબની હત્યાના વિરોધમાં જુનિયર તબીબોના ધરણા યથાવત

Social Share

કોલકાતા પશ્ચિમ બંગાળની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં, જુનિયર ડૉક્ટરોએ ગુરુવારે રાજ્યના આરોગ્ય ભવન બહાર તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને કામકાજથી દૂર રહ્યાં હતા. વિરોધ કરી રહેલા ડોકટરો રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્યાલય ‘સ્વાસ્થ્ય ભવન’ની બહાર 40 કલાકથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

રાજ્ય સરકારે અગાઉ મડાગાંઠ ઉકેલવા માટે મંત્રણા માટેની પૂર્વ શરત તરીકે વિરોધીઓની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે બેઠકમાં વધુમાં વધુ 15 પ્રતિનિધિઓને બદલે ઓછામાં ઓછા 30 પ્રતિનિધિઓ હાજર રહેવા જોઈએ. મુખ્ય સચિવને પરવાનગી આપવામાં આવે, ફક્ત તેમની માંગણીઓ પર ચર્ચા થવી જોઈએ, વાતચીતનું ટીવી પર જીવંત પ્રસારણ થવુ જોઈએ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં ચર્ચા થવી જોઈએ.

સોલ્ટ લેક સ્થિત ‘સ્વાસ્થ્ય ભવન’ અને તેની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા એક ડોક્ટરે કહ્યું હતું કે, “અમે અમારો વિરોધ ચાલુ રાખીશું અને કામ બંધ રાખીશું.” અમે આ ચાલુ રાખવા માંગતા ન હતા, પરંતુ રાજ્ય સરકાર અમારી સાથે કોઈ બેઠક કરવા તૈયાર નથી અને અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમારા વિરોધ પાછળ કોઈ રાજનીતિ નથી.

રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે, પરંતુ એવો પણ દાવો કર્યો હતો કે ‘રાજકીય દળો’ ડોકટરોના પ્રદર્શનને અસર કરી શકે છે. તબીબોએ તરત જ ચંદ્રિમા ભટ્ટાચાર્યના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે, જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.