ભાજપ ટિકિટ આપે તે પહેલા જ કૂંવરજી બાવળિયાએ જસદણ, વિંછીયામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઘણાબધી બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ દ્વારા એકાદ-બે દિવસમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. એટલે કોને ટિકિટ મળશે અને કોણ કપાશે તેની અટકળો ચાલી રહી છે. ત્યારે પૂર્વ મંત્રી કૂંવરજી બાવળિયાએ પોતાના વિસ્તાર જસદણ અને વિંછીયામાં પ્રચાર શરૂ કરી દીધો છે. કૂંવરજી બાવળિયાને વિશ્વાસ છે. કે પોતાને ટિકિટ મળશે. એટલે તેમણે ગૃપ મીટિંગો, ખાટલાં પરિષદ યોજીને મત આપવાની અપિલ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ અને વિંછીયા વિસ્તારના અલગ અલગ આગેવાનો સાથે ઓટલા બેઠકો પણ શરૂ કરી દીધી છે. જેમાં તેમણે ચૂંટણીના પ્રચાર અને જીત માટેના સમીકરણોની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. ભાજપ કુંવરજી બાવળીયાને આ બેઠક પરથી રિપીટ કરી ફરી ચૂંટણી લડાવશે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જો કે આ વખતે ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે. જસદણ બેઠક પર સૌથી વધુ 35 ટકા કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જયારે બીજા નંબર પર 20 ટકા લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. અને બાકીના 45 ટકા પર અન્ય સમાજનું પ્રભુત્વ રહેલું છે. જેમાં દલિત સમાજ 10 ટકા, લઘુમતિ સમાજ 7 ટકા, કડવા પટેલ સમાજ 7 ટકા, ક્ષત્રિય સમાજ 8 ટકા, તેમજ અન્ય સમાજના 13 ટકા વોટ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, જસદણ વિધાનસભા બેઠક માટે છેલ્લી પેટાચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારોનો ઉમેરો થયો છે. જસદણ બેઠક માટે ગત ડિસેમ્બર-2018 માં યોજાયેલી પેટાચૂંટણીમાં 1,22,180 પુરૂષ મતદારો હતા. જેમાં 11,832 મતદારોનો વધારો થતાં અત્યારની ચૂંટણી માટે 1,34,012 મતદારો નોંધાયેલા છે.જયારે 1,09,936 સ્ત્રી મતદારો હતા. જેમાં 12,341 મતદારોનો વધારો થતા અત્યારે 1,22,277 મતદારો નોંધાયેલા છે. ગત 2018 ની પેટાચૂંટણીમાં સ્ત્રી અને પુરૂષ મળી કુલ 2,32,116 મતદારો નોંધાયેલા હતા. જ્યારે અત્યારની ડિસેમ્બર-2022 ની સામાન્ય ચૂંટણી માટે કુલ 2,56,289 મતદારો નોંધાયેલા છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.