નવી દિલ્હીઃ દેશભરમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિરો છે. બાલ ગોપાલની જન્મજયંતિ મંદિરોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ રાજસ્થાનના રાજસમંદમાં એક 400 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં શ્રી કૃષ્ણની જન્મજયંતિ અનોખી ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણને 21 તોપોની સલામી આપવામાં આવે છે. કૃષ્ણ ભક્તો 400 વર્ષથી આ પરંપરાનું પાલન કરે છે. બીજા દિવસે મંદિરમાં દહીં અને દૂધથી હોળી રમવામાં આવે છે.
શ્રીનાથજી મંદિરમાં જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે કાન્હાના જન્મ પર એકવીસ તોપોની સલામી આપવામાં આવે છે. જન્માષ્ટ્રમીના પર્વને લઈને દેશ અને દુનિયાના અનેક ભક્તો શ્રીનાથજીના દર્શને આવે છે. મંદિરની આસપાસના ગામમાં કાન્હાના જન્મની ખુશી મનાવવામાં આવે છે અને મીઠાઈઓ વહેંચવામાં આવે છે.
આ વખતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાંથી ભક્તો જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા માટે શ્રીનાથજી પહોંચ્યા છે અને દેશ-વિદેશમાંથી પણ અનેક ભક્તો શ્રીનાથજીના દર્શન કરવા પહોંચ્યા છે.
રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં વિશ્વ પ્રસિદ્ધ શ્રીનાથજીનું મંદિર છે. દર વર્ષે લાખો ભક્તો અહીં પોતાની આસ્થા વ્યક્ત કરવા આવે છે. કૃષ્ણની જન્મજયંતિ પર નાથદ્વારા કૃષ્ણના રંગમાં રંગાઈ જાય છે.આ વખતે પણ વલ્લભ સંપ્રદાયના મુખ્ય સ્થાન એવા શ્રીનાથજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
જન્માષ્ટમીના તહેવાર માટે આવતા ભક્તોને અગવડ ન પડે તે માટે મંદિર બોર્ડ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા ખાટુશ્યામ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આવી સ્થિતિમાં નાથદ્વારામાં કોઈ અપ્રિય ઘટના ન બને, મંદિર પ્રશાસન આ માટે તકેદારી રાખી રહ્યું છે.