- દ્વારકાની હોટલો, બજારોને પણ રંગબેરંગી રોશનીથી શણગાર કરાયો,
- દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ,
દ્વારકાઃ ગુજરાતભરમાં સોમવારે જન્માષ્ટમીનું પર્વ ભારે ઉત્સાહથી મનાવવામાં આવશે. જેમાં દ્વારકાના દ્વારકાધિશ મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવશે. કૃષ્ણનગરી દ્વારકામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે દ્વારકા નગરીને શણગારવામાં આવી છે. જગત મંદિરને પણ રોશનીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. શહેરની હોટલો, સરકારી કચેરી, રબારી ગેટ અને ઇસ્કોન ગેટને પણ લાઇટિંગ કરવામાં આવ્યું છે.
દ્વારકામાં તા. 26મી ઓગસ્ટને સોમવારના રોજ જન્માષ્ટમીનું પર્વ ધામધૂનથી ઊજવાશે. દ્વારકાધિશ મંદિર દ્વારા જન્માષ્ટમીના પર્વની ઊજવણી માટે ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. દ્વારકા શહેર અને જગત મંદિરમાં લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. દ્વારકા શ્રી કૃષ્ણની કર્મભૂમિ હતું. દ્વારકામાં ભગવાન કૃષ્ણએ 100 વર્ષ વિતાવ્યા હતા. જન્માષ્ટમી દરમિયાન લાખોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો કાળિયા ઠાકોરના દર્શનાર્થે આવે છે.
જન્માષ્ટમી દરમિયાન દ્વારકા આવનારા ભક્તોને કઇ અગવડ ન પડે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા દ્વારકાધીશ મંદિરને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ મંદિરના પટાગણના અન્ય 16 જેટલા મંદિરોને પણ લાઇટિંગથી શણગારાયા છે.
દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તારીખ 22/08/2024 થી 27/08/2024 સુધી સુદર્શન સેતુ બ્રિજ પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું રજૂ કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા તેમજ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ નહીં પડે.