Site icon Revoi.in

બારડોલીમાં આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન, સાફા-પાઘડી પહેરીને ઉમટી પડવા સમાજને આહ્વાન

Social Share

અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલા ઉચ્ચારણો સામે ઠેર-ઠેર ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાએ જાહેર મંચ ઉપરથી માફી માંગી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજ ક્ષમા કરવાના મૂડમાં નથી. અલગ-અલગ જગ્યાએ થયેલા મહાસંમેલનો બાદ હવે બારડોલી ખાતે આજે મહાસંમેલન યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજને ઉમટી પડવા આહ્વાન કરવામાં આવ્યું છે.

આ અંગે સુરત કરણીસેનાના પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે, ગમે તેટલા રાજકીય દબાણ હોવા છતાં પણ આજે બારડોલીમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે. બારડોલીમાં આજે રવિવારે સાંજે પાંચ કલાકે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયુ છે. ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે. ક્ષત્રિય સમાજની લડાઈ છેવાડાના ગામ સુધી પહોંચી ગઈ છે. સાંજે પાંચ વાગ્યે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતનાં રાજપૂતો બારડોલીમાં ઉમટી પડશે.

બારડોલી વિભાગ રાજપૂત સમાજના ટ્રસ્ટી અમિષ સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે ક્ષત્રિય સમાજના વિવિધ સંમેલનો થઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે તા. 28મી એપ્રિલને રવિવારના રોજ દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજનું સંમેલન બારડોલી ખાતે યોજાશે. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, પી.ટી.જાડેજા અને સંકલન સમિતિ મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભરૂચથી લઈને વાપી સુધી ક્ષત્રિયો હજારોની સંખ્યામાં જોડાશે. રાજપૂત સમાજને કોઈ અગવડ ન પડે તે માટે સ્વયંસેવકની ટીમ ખડેપગે રહેશે. આ માટે તમામ તૈયારીઓ અંતિમ ઓપ આપી દેવાયો છે. આ સંમેલન માટે ખાસ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. જેમાં ભાઈઓ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ સાથે માથે સાફો રાખશે. જ્યારે મહિલાઓ કેસરી સાડીમાં આવશે.