Site icon Revoi.in

રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના નિધનથી સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં શોક છવાયો

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના ક્ષત્રિય અગ્રણી અને રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું  આજે બુધવારના રોજ દુઃખદ અવસાન થયુ હતુ. તેમના નિધન બાદ પરિવાર સહિત સમગ્ર ક્ષત્રિય સમાજમાં શોકનો માહોલ છવાયો છે. મહિપતસિંહ જાડેજા ગુજરાતના ક્ષત્રિય આગેવાન હતા. તેઓ મૂળ ગોંડલના રીબડાના વતની હતા. અને સૌરાષ્ટ્રના રાજકારણમાં બહુ મોટુ અને બહુચર્ચિત નામ પણ હતું. તેઓએ ક્ષત્રિય સેનાની સ્થાપના પણ કરી અને પ્રમુખ પણ બન્યા હતા. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા ગોંડલમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા.

રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય અને રિબડાના વતની એવા ક્ષત્રિય બાહુબલી મહિપતસિંહ જાડેજાનું આજે સવારે નિધન થયું હતું. પોતાના રીબડા ખાતેના નિવાસ સ્થાને મહિપતસિંહ જાડેજાએ છેલ્લો શ્વાસ લીધો હતો. એક સામાન્ય ખેડૂતના પરિવારના જન્મેલા મહિપતસિંહ જાડેજા પોતાના અંદાજ માટે ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.  મહિપતસિંહ જાડેજા ગોંડલથી અપક્ષ જીત્યા અને ધારાસભ્ય બન્યા હતા. આજે પણ ગોંડલા રાજકારણમાં મહિપતસિંહ જાડેજાનો ઉલ્લેખ થાય છે. ધારાસભ્ય કાળ દરમિયાન મહિપતસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. તેઓએ પોતાનો 83મો જન્મદિવસ પણ ખૂબ જ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે  111 દીકરીઓને કન્યાદાન પણ કર્યુ હતુ.  ગરીબ પરિવારોને આર્થિક મદદ કરવામાં મોખરે રહેતા હતા.

રીબડામાં સ્વર્ગસ્થના નિવાસ સ્થાનેથી સવારે 9.30 કલાકે અંતિમયાત્રા નીકળી હતી ત્યારે મોટી સંખ્યામાં ગામના તથા આજુબાજુના ગામોમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા અને સ્મશાનગૃહે સ્વ. મહિપતસિંહ જાડેજાની અંતિમવિધિ કરાઇ હતી અને તેમનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો એ સમયે હાજર રહેલા સૌની આંખો ભીની થઇ ગઇ હતી.