અમદાવાદઃ ગુજરાતમાં 26 લોકસભાની બેઠકોની ચૂંટણી અને 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી મંગળવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતાં હવે કોણ હારશે અને કોણ જીતશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ સામે પડેલા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ દાવો કર્યો છે. કે, ભાજપ સાત બેઠકો ગુમાવશે, ઉપરાંત ચાર બેઠકો પર ભારે રસાકસી રહેશે.
લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણોને લીધે ક્ષત્રિય સમાજે નારાજ બનીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણઈ કરી હતી. પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરીને મક્કમ રહેતા ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો હતો. અને ક્ષત્રિય સમાજના મતદારોને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી. મંગળવારે ચૂંટણી પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી. અને ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકા ઉપરાંત મતદાન થયું છે. અમે આહવાન કર્યું હતું તેને ઝીલી લેવામાં આવ્યું છે. રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55 ટકા સરેરાશ મતદાન થયું છે. 60 ટકા સુધી મતદાન જઈ શકે છે. ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકા ઉપરાંત મતદાન થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ મતદાન વધારવા માટે પ્રયાસો કર્યો છતાયે મતદારોમાં નીરસતા હતી. 2019માં આવું નહોતું. કામના આધારે મતદાન થયું હોત તો આવું ન થાય. અમારી ધારણા મુજબ ગુજરાતમાં ભાજપ 7 બેઠકો ગુમાવશે, અને 4 બેઠકો એવી છે કે જ્યાં ભારે રસાકસી છે. જ્યારે બાકીની બેઠકો પર ભાજપની લીડમાં ખાસ્સો ઘટાડો થશે. રાજપૂત સમાજની સંસ્થાઓ અને લોકોને અમને સાથ સહકાર મળ્યો હતો. કોઈ ઘર્ષણ થયું નહિ. અનેક સભાઓ થઈ પરંતુ પ્રજાને તકલીફ પડી નથી. જો તકલીફ પડી હોય તો માફી માગીએ છીએ. ગુજરાતના નાગરિકોએ નીરસતાથી મતદાન કર્યું છે. અમે વડાપ્રધાનનો વિરોધ ન કર્યો અને ગરિમા પૂર્ણ રીતે ભાજપનો વિરોધ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવતી બે જ્ઞાતિ ભાજપથી નારાજ હતી. રાજકોટ બેઠક ભાજપ હારશે તે નક્કી છે.