Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયને ક્ષત્રિય સમાજે રાતોરાત ખાલી કરાવ્યુ,

Social Share

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. ક્ષત્રિય સમાજના વર્ચસ્વવાળા ગામડાંઓમાં ભાજપનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે  ક્ષત્રિય સમાજે સુરેન્દ્રનગરમાં ભાજપનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય રાતોરાત ખાલી કરાવતાં રાજકીય સોંપો પડી ગયો છે. ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ક્ષત્રિય સમાજની જગ્યામાં ખોલવામાં આવ્યું હતું.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. અને ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરતા હવે ક્ષત્રિય સમાજે તમામ બેઠકો પર ભાજપ સામે મોરચો માંડ્યો છે. સુરેન્દ્રનગરમાં ભાજપએ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ક્ષત્રિય સમાજની જગ્યામાં ખોલવામાં આવ્યું હતું. આથી ચૂંટણી કાર્યાલય તાકીદે ખાલી કરવા ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટિમેટમ આપ્યું હતું. ભાજપ દ્વારા રાતોરાત તે ખાલી કરી દેવામાં આવ્યું હતું. હવે ભાજપ દ્વારા એક ખાનગી શાળામાં મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યુ છે. ભાજપનાં પ્રચારના હોર્ડીંગ્સ-બેનર ઉપરાંત પ્રચાર વ્યવસ્થા માટેના કન્ટ્રોલ રૂમની માળખાકીય સુવિધા પણ ખસેડી લેવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની બેઠક પર ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને ભારે પડી રહી છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ ઉપર બનાવવામાં આવેલું ભાજપનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજની જગ્યામાં આ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું હતું તે સમયે વિરોધ ન હતો ત્યારે કોઈપણ પ્રકારના વાણી વિલાસ નો મુદ્દો પણ ન હતો તે સમયે આ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. જે સ્થળે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું હોય તે જગ્યા ક્ષત્રિય સમાજની હોવાના કારણે હાલની પરિસ્થિતિ મુજબ આ કાર્યાલય ખાલી કરવામાં આવ્યું છે. ઉપરાંત ઝાલાવાડના ગામડાંઓમાં ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક ગામોમાં હજુ સુધી ભાજપના આગેવાનો પ્રચાર માટે પણ ન જઈ શક્યા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે ગૃહ મંત્રી હર્ષકુમાર સંઘવીએ સુરેન્દ્રનગર દોડી આવીને બંધ બારણે  ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પ્રયાસ પર હવે નિષ્ફળ નીવડ્યો છે,