Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.ની ચૂંટણીના મહિનાઓ બાદ કૂબેરનગર વોર્ડની પુનઃ મતગણતરી કરાશે

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં ફેર મત ગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતાને જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચૂંટણીના પરિણામને કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીએ સુપ્રીમ કોર્ટ સુધી પડકારી હતી અને જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી 14 દિવસમાં મતની ફેર ગણતરી માટેના આદેશો આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે હવે આગામી 7મી મેના રોજ અમદાવાદ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં કૂબેરનગર વોર્ડની પુનઃ મતગણતરી હાથ ધરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી વર્ષ 2021માં યોજાઈ હતી. જેમાં મતગણતરી વખતે કૂબેરનગર વોર્ડમાં વિવાદ સર્જાયો હતો. પહેલા કોંગ્રેસના ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવાયા અને વિજય બન્યાનું ચૂંટણી અધિકારી દ્વારા સર્ટીફિકેટ આપી દેવાયા બાદ ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.  23મી ફેબ્રુઆરી 2021ના રોજ મતગણતરીમાં કોંગ્રેસની આખી પેનલ જીતી હતી. બાદમાં તેઓએ 25 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના ઉમેદવારો જીતનું સરઘસ કાઢ્યું હતું. 26મી ફેબ્રુઆરીના રોજ રાતે જીતનું સર્ટિફિકેટ કલેકટર ઓફિસની ટીમે પોલીસ કાફલા સાથે આવી ‘તમે હારી ગયા છો’ કહી સર્ટિફિકેટ પરત લઇ ગયા હતા. કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીએ જણાવ્યું હતું કે એક વખત સર્ટિફિકેટ આપ્યા પછી સર્ટિફિકેટ પરત લઈ ન શકાય.

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 14 કુબેરનગરમાં કોંગ્રેસની પેનલની જીત થઈ હતી, પરંતુ ભાજપનાં મહિલા ઉમેદવાર ગીતાબા વિશાલસિંહ ચાવડાએ પોતાના મત વધુ હોવા છતાં તેમને હારેલાં જાહેર કરવામાં આવ્યાં હોવાની ચૂંટણીપંચમાં રજૂઆત કરી હતી, કારણ કે 9મા રાઉન્ડની ગણતરી બાકી રહી ગઈ હોવાથી ભૂલ થઈ હતી. આ બાબતે ચૂંટણી પંચે બે દિવસમાં તપાસ કરી અને નવમા રાઉન્ડની ગણતરીમાં ભૂલ હોવાનું તપાસમાં બહાર આવતાં તેમને મોડી રાતે વિજેતા જાહેર કરી કાઉન્સિલર તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.