- કેજરીવાલ પર કુમાર વિશ્વાસનો પ્રહાર
- કહી ખાલિસ્તાનીઓને લઈને વાત
- કેજરીવાલની ચૂંટણીમાં પડી શકે છે તકલીફ
અમૃતસર: પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમ છે, કેજરીવાલ દ્વારા અને વાયદાઓ કરવામાં આવ્યા છે ત્યારે કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલ પર પ્રહાર કરવામાં આવ્યા છે. કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલને લઈને કહેવામાં આવ્યું કે “કેજરીવાલ ખાલિસ્તાની વિરોધી છે તે કહી બતાવે”. હાલ આ મુદ્દે હવે કેજરીવાલ અને કુમાર વિશ્વાસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે.
અરવિંદ કેજરીવાલે પોતાને સ્વીટ આતંકવાદી ગણાવ્યા પછી કવિ કુમાર વિશ્વાસે શુક્રવારે આપના કન્વિનર અરવિંદ કેજરીવાલને પડકાર ફેંકતા કહ્યું હતું કે આડી અવળી વાત કરવાના બદલે તેઓ એટલું જ કહે કે તેઓ ખાલિસ્તાન સમર્થકોને મળ્યા હતા કે નહીં. વધુમાં તેઓ એટલું જ બોલી બતાવે કે તે ખાલિસ્તાન વિરોધી છે.
આમ આદમી પાર્ટી (આપ)ના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે જણાવ્યું કે, કેજરીવાલ ભોળા બનવાના બદલે મારા નિવેદનને ખોટું સાબિત કરી બતાવે અને લોકોને સત્ય જણાવે. ખાલિસ્તાનીઓ સાથે તેમના સંબંધ છે કે નહીં એટલું જ તેઓ જણાવે નહીં તો હું જણાવીશ. વિશ્વાસે ઉમેર્યું કે તેઓ બસ એટલું જ કહી દે કે હું ખાલિસ્તાનના વિરોધમાં લડીશ. એક પણ ખાલિસ્તાનીઓને પંજાબમાં, દિલ્હીમાં ઊભો નહીં થવા દઉં. હું ખાલિસ્તાન વિરોધી છું એટલું કહેવામાં તેમને શું તકલીફ થવી જોઈએ?
કુમાર વિશ્વાસે તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલ પર ખાલિસ્તાન સમર્થકોને સાથ આપવા અંગે ટીપ્પણી કરી હતી. આ મુદ્દે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યાપક તપાસ કરાવવાની માગ કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ વડાપ્રધાનને પત્ર લખ્યા પછી કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની ખાલિસ્તાની સમર્થકો સાથે સાંઠગાંઠ અંગે કવિ કુમાર વિશ્વાસે કરેલા આક્ષેપોની તપાસ કરાવવામાં આવશે. દરમિયાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે, હું દુનિયામાં પહેલો આતંકવાદી છું, જે લોકો માટે સ્કૂલો બનાવે છે, હોસ્પિટલો બનાવે છે, વીજળીની સમસ્યા દૂર કરે છે. હું દુનિયાનો પહેલો ‘સ્વીટ આતંકવાદી’ છું.