કચ્છઃ દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના વધુ 10 પેકેટ મળ્યાં
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના દરિયા અને દરિયાકાંઠા વિસ્તારમાં અવાર-અવાર નવાર નશીલા દ્રવ્યો ઝડપાયાં હતા. તાજેતરમાં જ ચરસના બે પેકેટ મળી આવ્યાં હતા. દરમિયાન આજે અબડાસાના સિંદોડી નજીકથી ચરસના 10 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. એક વર્ષમાં ચરસના 1,500થી વધારે પેકેટ મળી આવ્યાનું જાણવા મળે છે. ચરસના પેકેટની પાછળ પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અબડાસાના સિંધોડી નજીકથી આ પેકેટ મળી રહ્યા હતા. જખૌ મરીન પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે ચરસના તમામ પેકેટ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ દિવસ પહેલા જ અહીં લખપત પાસેના ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બે પેકેટ મળી આવ્યા હતા. અહીં બીએસએફના જવાનો ફૂટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચરસના પેકેટ મળી આવ્યા હતા.
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ચરસ મળવાનો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલા જખૌ બંદર અને ક્રિક વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ચરસના 1,500થી વધારે પેકેટ મળી આવ્યા છે. તપાસ એજન્સીઓને એવી આશંકા છે કે ચરસ મળવા પાછળ પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે. કચ્છના દરિયામાંથી અગાઈ એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓએ કરોડોનું ડ્રગ્સ ઝડપી લીધું હતું. એટલું જ નહીં તાજેતરમાં જ મુંદ્રા પોર્ટ ઉપર એક કન્ટેનરમાંથી 52 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.