Site icon Revoi.in

કચ્છઃ મુંદ્રા બંદરે એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવાનું લાગી રહ્યું છે. અવાર-નવાર ચરસ અને ડ્રગ્સ પકડાય છે. દરમિયાન ફરી એકવાર 52 કિલો જેટલુ કોકેઈન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. મુદ્રા પોર્ટમાં એક કન્ટેનરમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. મીઠાની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ખૂલ્યું છે. તેમજ આ કન્ટેનર દુબઈથી આવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુન્દ્રા પોર્ટ પર આવેલા એક કન્ટેનરમાં શંકાના આધારે ડીઆરઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન કન્ટેનરમાંથી  52 કિલો જેટલુ કોકેઈન મળી આવ્યું હતું. જેથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. કોકેઇનના સેમ્પલ પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. મળતી માહીતી મુજબ આ કન્ટેનર દુબઈથી આવ્યું હતું. ડીઆરઆઈની કાર્યવાહીમાં આ જથ્થો મળી આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે DRIએ વધુ તપાસ હાથ ધરી છે. જો કે, વધુ વિગતો માટે FSLના રિપોર્ટની રાહ જોવાય રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં અવાર-નવાર ચરસનો જથ્થો બીનવારસી હાલતમાં મળી આવે છે. તેમજ અગાઉ પણ દરિયામાંથી સુરક્ષા એજન્સીઓએ કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો હતો. મોટાભાગના કેસમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સંડોવણી સામે આવી છે.