અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં જખૌ નજીક બોર્ડર વિસ્તારમાં અવાર-નવાર નશીલા દ્રવ્યો મળી આવવાની ઘટના સામે આવે છે. દરમિયાન ફરી એકવાર ડ્રગ્સ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોટેશ્વર નજીક કોરી ક્રીક ટાપુ પાસેથી ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ સરહદે BSF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. BSFની ટીમે કોટેશ્વર નજીક કોરી ક્રીક ટાપુ પાસે તપાસ કરી રહી હતી, જેમાં રૂ. પાંચ કરોડની કિંમતનું ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું. આ ડ્રગ્સ પણ દરિયામાં વહી આવેલા પેકેટ જેવું જ હોવાથી આ દિશામાં વધુ વધુ તપાસ હાથ ધરી છે. કોરી ક્રીક વિસ્તારમાંથી ડ્રગ્સ મળી આવતા સુરક્ષા એજન્સીએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
કોરી ક્રીક વિસ્તારમાંથી ડ્રગ્સ મળી આવવાની ઘટનામાં સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં પાકિસ્તાનની કનેકશનની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ તપાસ સુરક્ષા એજન્સીઓ દ્વારા શરુ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં સરહદી વિસ્તાર જખૌ તથા આસપાસના વિસ્તારમાંથી ચરસ સહિતના ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવે છે. જેથી નશીલા દ્રવ્યોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કરું છે. દરમિયાન પૂર્વ કચ્છ વિસ્તારમાંથી રૂ. 5.58 લાખની કિંમતના એમડી ડ્રગ્સના સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત માધાપર વિસ્તારમાંથી મહિલાને એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો.