ભૂજઃ કચ્છનું ઊંટડીનું દૂધ અને તેની બનાવટો દેશભરમાં પહોંચી રહી છે. જેમાં અમુલનું મહત્વું યોગદાન છે. અમૂલના દૂધ, દહીં, છાશ, ઘી, આઈક્રીમ, ચીઝ, બટર, પનીરની સાથે એસેપ્ટિક બોટલમાં પેકિંગ થયેલું કચ્છના માલધારીઓનું કેમલ મિલ્ક કાશ્મીરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. એસેપ્ટિક બોટલ પેકિંગમાં ઉંટડીનું દૂધ છ માસની અવધિની ગેરંટી સાથે ખાસ પ્રોસેસ દ્વારા એસેપ્ટિક બોટલ પેકિંગ અને કેમલ મિલ્ક પાઉડરને પાઉચ પેકિંગમાં જમ્મુમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. એટલે હવે કચ્છની ઊંટડીનું દૂધ હવે જમ્મુ-કાશ્મીરમાં પણ મળશે.આ સાથે કેમલ મિલ્ક ચોકલેટનું પણ વેંચાણ શરૂ કરાયું છે.
કચ્છની સરહદ ડેરી દ્વારા ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્લાન્ટ શરૂ કરવાથી ફર્સ્ટ ઈન ઈન્ડિયાનું બિરૂદ પ્રાપ્ત થયું છે. અમૂલ દ્વારા કેમલ મિલ્કની વિવિધ પ્રોડકટ તૈયાર કરી માર્કેટીંગ થતાં કચ્છના ઉંટમાલિકોનું જીવનધોરણ ઉંચું આવ્યું છે. આર્થિક સધ્ધરતા અપાવતો માલધારીઓનો આ કેમિલ્ક મિલ્ક પ્લાન્ટ શરૂ થઈ જતાં સમગ્ર ભારતના તમામ રાજયોમાં કેમલ મિલ્ક અને તેની બનાવટનું અમૂલ દ્વારા વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ર019માં આ પ્લાન્ટ શરૂ થયો તે પહેલા માલધારીઓને 20 થી 25 રૂપિયામાં પ્રતિ લિટર ભાવે કેમલ મિલ્ક વેંચવું પડતું જેના બદલે હવે પ્રતિ લિ. 51 રૂપિયા મળતા થયા છે. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે દેશના વડાપ્રધાન’ મોદીની મુલાકાત લીધી ત્યારે પણ કચ્છના કેમલ મિલ્ક અને માલધારીઓની પૂચ્છા કરી હતી. તેમજ જમ્મુ કાશ્મીરમાં અમૂલની સેવાકીય કામગીરી માટે સૂચન કર્યું હતું.
સમગ્ર ભારતને ગૌરવ અપાવતા કેમલ મિલ્ક પ્લાન્ટ માટે સરહદ ડેરી દ્વારા કચ્છના રાપર-ભુજ અને નખત્રાણા તાલુકામાંથી ઉંટડીનું દૂધ રોજ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જેમાં દરરોજ 3500 લિટર કેમલ મિલ્ક કલેકશન કરી અને માસિક 60 લાખ રૂપિયાનું દૂધ ઉત્પાદકોને ચૂકવણું કરતાં સરહદ ડેરીને દેશમાં કેમલ મિલ્કના સંપાદન તથા પ્રોસાસિંગમાં પ્રથમ સ્થાન મળ્યું છે. આવતા દિવસોએ જરૂરી પ્રચાર-પ્રસાર અને અમૂલના માર્કેટીંગ દ્વારા વધારે પ્રોડકશનની જરૂર પડશે તો કચ્છમાં બીજા તાલુકામાં કલેકશન શરૂ કરી કચ્છના તમામ ઉંટમાલિકોનું દૂધ લેવામાં આવશે. વધારે જરૂરિયાત ઉભી થશે તો બનાસકાંઠા જિલ્લામાં અને રાજસ્થાનમાંથી દૂધ એકત્રિકરણ કરી જે તે વિસ્તારના ઉંટ માલિકોના આર્થિક અને સામાજિક જીવનમાં સુધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.તેવું સરહદ ડેરી સાથે સંકળાયેલા અગ્રણીએ જણાવ્યું હતું.