ભૂજ : ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે, ત્યારે કચ્છમાં માલધારીઓએ હિજરત શરૂ કરી દીધી છે. આમ તો દર વર્ષે માલધારીઓ પોતાના પશુઓ સાથે હિજરત કરીને દક્ષિણ ગુજરાત તરફ જતા હોય છે, અને ઉનાળો પૂર્ણ થતાં જ અષાઢી બીજ પહેલા માદરે વતન પરત ફરતા હોય છે. કચ્છમાં નર્મદાના નીર પહોંચ્યા હોવા છતાં ઘાસચારાની કાયમ સમસ્યાઓ રહેતી હોય છે. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ માલધારીઓએ પશુઓ સાથે સ્થળાંતર કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં લખપત તાલુકામાં ઘાસની અછત ઊભી થતાં માલધારીઓ પોતાના ગૌધનને લઇને ઘાસની શોધમાં નીકળી પડયા છે. અમુક જગ્યાએ પાણી છે, તો ક્યાંક પાણી સંગ્રહ તળાવોમાં ઓછા હોવાથી પાણીની સમસ્યા પણ સતાવે છે. આ વિસ્તારના માલધારીઓ ચિંતામાં મૂકાયા છે. ગૌધન સાચવવા જવું તો જવું ક્યાં ? છતાં તેઓ પોતાની માલ-ધણને લઇને લખપત તાલુકામાંથી પ્રસ્થાન કર્યું છે. આ વિસ્તારના સામજિયારો, કૈયારી, બરંદા બાજુના રાતા તળાવ અને નાના-મોટા વિસ્તારના માલધારીઓ અડધા સ્થળાંતર કરી ગયા છે, અડધા તૈયારીમાં છે.
પશુધન માટે આર્થિક ઉપાર્જનનું સાધન ન મળતાં માલધારીને પશુઓના નિભાવ, નીરણનો પ્રશ્ન સતાવી રહ્યો છે, અને સરકાર સમક્ષ પશુધનના રક્ષણ માટે મદદ માંગી રહ્યા છે. માલધારીઓ માગણી કરી રહ્યા છે કે, લખપત તાલુકાને અર્ધઅછત જાહેર કરવો જોઇએ, પણ સરકારની મર્યાદાઓ હોય તો આ વિસ્તારમાં સરકાર, તંત્ર, ખાસ અધિકારીની દેખરેખ હેઠળ આવા વિસ્તારોનું નિદર્શન કરી,સચોટ માહિતીથી જરૂરિયાતવાળા વિસ્તારમાં ઘાસ પૂરું પાડવું જોઇએ. જંગલ ખાતું અને તંત્રએ આ બાબતે ત્વરિત વિચાર કરી નિર્ણય લેવો જોઇએ પશુધનનું રક્ષણ કરી શકાય તેવી માગ ઊઠી છે.