1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છ પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત-આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું: મુખ્યમંત્રી
કચ્છ પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત-આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું: મુખ્યમંત્રી

કચ્છ પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત-આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું: મુખ્યમંત્રી

0
Social Share

ભુજ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો. 1282મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો‌ છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીબીન કાપીને લોકમેળાનો શુભારંભ કરાવ્યો‌ હતો. પ્રસંગે મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીજીને યાદ કરીને તેમને વંદન કર્યા હતા. 

મેળાને માણવા પધારેલી જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી જણાવ્યું કે, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને પ્રવાસનનું તોરણ બનાવી વર્લ્ડ ટૂરિઝમ મેપ ઉપર કચ્છનો રણોત્સવ અને કચ્છની લોક સંસ્કૃતિ, વિવિધ સ્થળોનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. આથી જ કહેવાય છે – કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા. 

મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં ઉમેર્યું કે, યક્ષનો મેળો, માતાનો મઢ, હાજીપીર, કોટેશ્વર, રવેચી, જેસલ-તોરલ સમાધિ, નારાયણ સરોવર અને લખપત ગુરુદ્વારા જેવા ધાર્મિક-ઐતિહાસિક સ્થાનકો કચ્છની આગવી લોક સંસ્કૃતિના ધબકાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આફતને અવસરમાં પલટવા લોકોમાં કેળવેલી ક્ષમતા અને કચ્છીઓના ખમીર-ઝમીરથી આજે કચ્છ પૂરપાટ ગતિએ વિકાસ કરી રહ્યું છે. કચ્છના લોકોએ ભૂકંપની વેદનામાંથી ફરી બેઠા થવા સાથે ઉત્સવો, મેળાઓની ઉજવણીથી જનજીવનને ધબકતું કર્યું છે. 

મુખ્યમંત્રીએ નાની ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા મોટા યક્ષના ભવ્યમેળાને ગ્રામ પંચાયતોના સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ ગણાવતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને રણોત્સવથી વિકસાવવાનો અવસર સર્જીને કચ્છના સર્વગ્રાહી વિકાસને વાસ્તવિક બનાવ્યો છે. છેવાડાના અંતરિયાળ ગામો, સરહદી વિસ્તારો સુધી વિકાસ પહોંચાડી ગામડાઓનું સશક્તિકરણ કરતા ગ્રામ સ્વરાજનો વિચાર સાકાર કર્યો છે. મુખ્યમંત્રી આ પ્રસંગે મેળાના આયોજનમાં કોઈપણ પ્રકારની પડતી મુશ્કેલીના ઉકેલમાં રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે તેમ ધરપત આપી હતી.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છ જે માત્ર રણપ્રદેશ તરીકે ઓળખાતું હતું ત્યાં આજે ૩૦ હજાર મેગાવૉટના હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે.  કચ્છમાં આજે અનેક મોટા ઉદ્યોગો ધમધમતા થયાં છે. ડેરી ઉદ્યોગ થકી કચ્છમાં પશુપાલનને નવી ઊંચાઈ મળી છે. ઊંટડીના દૂધમાંથી બનતી ડેરી પ્રોડક્ટ દેશભરમાં પહોંચી છે. કચ્છના લોકોત્સવો, તહેવારો, મેળાઓ માણવા આવતા પ્રવાસીઓ સ્મૃતિવન સ્મારકની મુલાકાતે અવશ્ય જાય તેવું સ્મારક વડાપ્રધાનની પ્રેરણાથી બન્યું છે. જેના થકી કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળ્યો છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે દેશભરમાં આત્મનિર્ભર બન્યું છે. પારંપારિક ઐતિહાસિક યક્ષનો લોકમેળો પણ વિવિધ કલાકૃતિ, રમકડાં, ખાન-પાન, મનોરંજનના સાધનોના માધ્યમથી સ્થાનિક રોજગારી વૃદ્ધિ અને ગ્રામીણ અર્થતંત્રની આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સ્વચ્છતાના જન આંદોલનમાં સહભાગી થઈને સફળ બનાવવા ઉપસ્થિત નાગરિકોને અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ મેળો માણવા આવનારા નાગરિકોને આ લોક મેળાની અને આસ્થાના પવિત્ર સ્થાનકની સ્વચ્છતા જાળવીને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો મંત્ર સાકાર કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિવિધ સંસ્થા તેમજ મેળા સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજ આગેવાનો દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ  મેળામાં આવેલા કચ્છના લોકો સાથે સહજ રીતે વ્યક્તિગત સંવાદ કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code