કચ્છ: ગુજરાતમાં આવેલુ વાવાઝોડુ બિપરજોય કચ્છના જખૌના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીએ હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તેમજ માંડવી સિવિલ હોસ્પિટલમાં દાખલ લોકોને મળ્યા હતા અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બિપરજોયે રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના આઠ જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન કર્યું છે. જો કે, વહેલી ચેતવણી અને ઝીણવટભરી તૈયારીઓએ કોઈ જાનહાનિ થવા દીધી ન હતી. એક લાખથી વધુ લોકોને સમયસર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
1998માં ગુજરાતમાં આવેલા વાવાઝોડામાં લગભગ ચાર હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, 2001ના તોફાનમાં 100 લોકોના મોત થયા હતા. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, બનાસકાંઠા અને મોરબી જિલ્લામાં શુક્રવારે મુશળધાર વરસાદ પડ્યો હતો.દેવભૂમિ દ્વારકામાં 24 કલાકમાં 100 થી 200 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા અને પાટણ સહિત અનેક જિલ્લાઓમાં રવિવાર સવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. જોકે,સેના અને એનડીઆરએફની ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહે ઓનલાઈન ગુજરાતના કેબિનેટ મંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.