Site icon Revoi.in

કચ્છને આફતમાંથી ઉગારવા કોઈ કસર ન છોડી! : અદાણી ગ્રુપ

Social Share

ઈતિહાસ સાક્ષી છે કે, કચ્છી માડુઓ આફતની સામે ઝઝૂમીને જીતી જવાની અને આફતને અવસરમાં ફેરવવાની ગજબ શક્તિ ધરાવે છે. 2001ના ભયાનક ભૂકંપ બાદ ઉભી થયેલી ઈમારતો તેની સાખ પૂરે છે. અદાણી પરિવાર કચ્છ પર કોઈપણ મુશ્કેલી આવે ત્યારે તેની પડખે અડીખમ રહી મદદરૂપ બને છે. કચ્છમાં તબાહી મચાવનાર વાવાઝોડાં સામે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે અદાણી પરિવારે તેને આફતમાંથી ઉગારવા કોઈ કસર છોડી નથી.  કુદરત જ્યારે કારમી થપાટ મારે ત્યારે તે ખાવાની અને પીડા ઓછી થાય તેની પણ તૈયારીઓ કરવી પડે છે. બિપોરજોય વાવાઝોડાની આગાહી બાદ તરત જ અગમચેતી રૂપે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

મુંદ્રા પોર્ટના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અદાણી ફાઉન્ડેશનની સમગ્ર ટીમે ઝીણવટભરી બાબતોની નોંધ તૈયાર કરી કોસ્ટલ ઝોનના ગામોના સલામત સ્થળાંતર માટે તૈયારી કરી દીધી. ટ્રાન્સપોર્ટેશન, ચા-નાસ્તા, ફૂડપેકેટ, દવા, ડોક્ટર, વાહનો, જેસીબી, લોડર, પાણીના ટેન્કર, ટ્રેક્ટર, પીવાના પાણીની બોટલ, પંખા, જનરેટર વગેરેની વ્યવસ્થા સાથે કામગીરીની શરૂઆત કરી હતી.

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનેસરિયાની ઉપસ્થિતીમાં કલેકટર કચેરી ખાતે આયોજીત બેઠકમાં હાજર રહી બચાવ કામગીરી કરવા બીડું ઝડપ્યું. જેમાં પ્રાંત અધિકારીની કચેરી, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના સંપર્કમાં રહી કામગીરી આરંભી. વાવાઝોડાં પહેલા, બાદ અને દરમ્યાન જરૂરિયાતમંદોને ત્વરિત મદદરૂપ થવા સમર્પિત સંકલન ટીમ સતત સંપર્કમાં રહી.

કાચા મકાનમાં કે લેબર કોલોનીના રહીશોને નજીકના સલામત સ્થળો એગ્રી પાર્ક, ઝરપરા ગામની પ્રાથમિક શાળા તથા મુંદ્રા ગામમાં ખસેડવામાં આવ્યા. તેમને રહેવા તથા ખાધ્ય-ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી. 45૦૦થી વધારે લોકોને બસ, ટેમ્પા, ગાડી તથા અન્ય વાહનો દ્વારા ખસેડવામાં આવ્યા. તેમને ચા-નાસ્તો અને બપોરે પૂરી-શાક, થેપલાં, સૂકીભાજી, ચેવડો, બરસી પૂરી, બુંદીના લાડુ વગેરે ભરપેટ આપવામાં આવ્યાં. કુલ 4૦,૦૦૦થી વધુ ફૂડ પેકેટ્સ તેમજ વાવાઝોડાંના લેટેસ્ટ સમાચાર પહોંચાડવામાં આવ્યા.

દરિયાકાંઠાની 5૦ ગ્રામ પંચાયતો સાથે સંપર્ક કરી અસરગ્રસ્તોના સ્થળાંતર માટે વાહનો, ફૂડ પેકેટસ, પાણી, જેસીબી, ટ્રેકટર, લોડર સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી. મોઢવા, ગૂંદીયાળી, પીપરી, ભાડિયા જેવા અનેક ગામોના 12૦૦ જેટલા પરિવારોને સરકારી અધિકારીઓની ઉપસ્થિતીમાં રાશનકીટ વહેંચવામાં આવી. વાવાઝોડાં બાદ ટ્રાન્સપોર્ટ, ધરાશાયી વૃક્ષોને હટાવવા જેસીબી, લોડર, પાણી માટે જનરેટર, ટેન્કર વગેરેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી. એટલુ જ નહી, વીજ પુરવઠો પુર્વવત ન થાય ત્યાં સુધી પીવાના પાણી સંગ્રહના ટાંકા વરસાદના પાણીથી ભરી લેવા ‘અવાજ દે’ સોફ્ટવેર મારફતે સુચના આપવામાં  આવી.

24+ ગામોના 2747 પશુપાલકોના 16017 પશુઓને 5૦,૦૦૦ કિલોગ્રામ ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો. પશુઓને બચાવવા ‘અવાજ દે’ ના માધ્યમથી 2૦૦૦થી વધુ પશુપાલકોને સૂચના આપવામાં આવી. ઉપરાત સરકારી વેટનરી ઓફિસરની આવવા-જવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. મુંદ્રા તાલુકાનાં 4૦ જેટલા ગામોમાં ડોક્ટર્સની ટીમને સર્વે અને સારવારમાં મદદ કરવામાં આવી. જિલ્લા પંચાયત સંચાલિત મુંદ્રાના પશુ દવાખાનામાં 35 પશુઓનું નિદાન અને સારવાર કરવામાં આવી.

મુંદ્રા તાલુકામાં ખારેક અને આંબાના પાકને પારાવાર નુકસાન થયું છે. આ વિસ્તારમાં 25૦૦૦ થી 3૦૦૦૦ ખારેકના ઝાડ તથા 7૦૦૦ થી 8૦૦૦ આંબાના ધરાશાયી થયાનો અંદાજ છે. ખારેકના પાકનું  ૩૦- 35 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. ખેડૂતોનો અભિપ્રાય છે કે ખારેકના પાકમાં ફળનું નુકસાન તો આ વર્ષનું જ છે, પણ ઝાડનું નુકસાન ભવિષ્યમાં મળનારા ઉત્પાદનનું છે. આથી સારા વૃક્ષોને ફરી બેઠા કરવામાં આવે તે માટે સંબંધિત એજન્સીઓના ટેકનિકલ સહયોગ મેળવી કામ કરવામાં આવશે. જે પાક બચી ગયો છે તેને બજારમાં સપ્લાય કરવા તેમજ જે વૃક્ષો જમીનદોસ્ત થયા છે તેમના સ્થાને નવા રોપવા વિચારણા કરાશે.

અસરગ્રસ્તોના આરોગ્ય માટે ડોક્ટરોની ટીમ, સતત એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. બી.પી. અને ડાયાબીટીસના દર્દીઓ તેમજ બાળકો અને મહિલાઓ માટે મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. મેડિકલ વેન દ્વારા ડોક્ટરની ટીમે ૩૦૦ – 4૦૦ જરૂરિયાતમંદોને સારવાર આપી હતી. બાળકોને શાળાએ જવા માટેની કીટ અને ચોકલેટ આપવામાં આવી.

અદાણી ફાઉન્ડેશનને રાહત કામગીરીમાં સ્થાનિકોની લાગણી અને ભરપૂર સહકાર મળ્યો છે. ભવિષ્યમાં પણ ખમીરવંતા કચ્છીઓના સહકારથી પ્રદેશના વિકાસ માટે અદાણી ફાઉન્ડેશન કટ્ટીબદ્ધ છે.