કચ્છ જાસુસી કેસઃ BSFની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનની મહિલાને મોકલાઈ
અમદાવાદઃ કચ્છમાં બીએસએફની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર જાસુસની એટીએસની ટીમે આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનની મમાટે જુસુસી કરતા બીએસએફના પ્યૂન નિલેશ બળીયા સોશિયલ મીડિયા મારફતે હિન્દુ નામ ધરાવતી પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીઓ બીએસએફની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની મહિલાને સોશિયલ મીડિયા મારફતે પુરી પાડી હતી એટલું જ નહીં તે માટે તેને અત્યાર સુધીમાં લગભગ અલગ-અલગ સમયમાં રૂ. 28 હજાર આપવામાં આવ્યાં હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીના બેંક એકાઉન્ટમાં પાકિસ્તાનથી નહીં પરંતુ ભારતમાંથી નાણા ટ્રાન્સફર થયાનું ખુલ્યું છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. આરોપીને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસે જાસુસી કરાવવામાં આવ્યાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભુજમાં કોઈ વ્યક્તિ પાકિસ્તાન માટે સુરક્ષા એજન્સીઓની જાસુસી કરતી હોવાની માહિતી મળતા એટીએસની ટીમે તપાસ આરંભીને નિલેશ બળીયાની અટકાયત કરી હતી. નિલેશ બીએસએફ સંકુલમાં કાર્યરત એક વિભાગમાં પ્યૂન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ આરંભી હતી. જાન્યુઆરી 2023માં નિલેશ ઓળખાણ સોશિયલ મીડિયાના માધ્યમથી અદિતિ તિવારી નામની મહિલા સાથે સંપર્કમાં આવ્યો હતો. નિલેશ બીએસએફમાં પટાવાળો હતો પણ તેણે અદિતિને પોતે કોમ્પ્યુટર ઓપરેટર હોવાનું જણાવ્યું હતું. યુવતીએ વિશ્વાસ કેળવ્યા બાદ નિલેશને બીએસએફની ગુપ્ત માહિતીઓ અને કાગળો આપવાનું જણાવ્યું હતું અને જો આ માહિતી કોઈ ઉપયોગી હશે તો તેના બદલામાં તેને પૈસા આપશે તેવી લાલચમાં ફસાવ્યો હતો. નિલેશે કેટલીક મહત્વની માહિતી સોશિયલ મીડિયા મારતે મહિલા હેન્ડલરને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે.
આરોપી નિલેશે જાન્યુઆરી 2023થી અત્યાર સુધી બીએસએફ સંકુલમાં થઈ રહેલા બાંધકામો અને ભવિષ્યમાં થનારા બાંધકામોની ગુપ્ત માહિતીઓ સમયાંતરે મોકલી હતી અને જેના બદલામાં નિલેશને ટુકડે ટુકડે અત્યાર સુધી 28 હજાર જેટલા રૂપિયા મળ્યા હતા. ગુજરાત એટીએસની ટીમે અદિતી નામની પાકિસ્તાની મહિલા જાસુસની ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. તેમજ ભારતમાં તેના અન્ય સંપર્કોની તપાસ શરૂ કરી છે. ગુજરાત એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.