ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ ગુજરાતમાં કચ્છના રણમાં 1લી પ્રવાસન કાર્યકારી સમૂહની બેઠકનું સફળતાપૂર્વક 7-10 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજે સમાપન થયું હતું. આ બેઠકમાં બે ગૌણ કાર્યક્રમો, એક ઉદ્ઘાટન સત્ર, પાંચ ઓળખી કાઢવામાં આવેલી પ્રાથમિકતાઓ પર કાર્યકારી જૂથની બે દિવસની બેઠકો, શ્રેણીબદ્ધ દ્વિપક્ષીય બેઠકો અને પર્યટન મુલાકાતોનો સમાવેશ થાય છે.
કાર્યકારી જૂથની બેઠક પહેલા 7 ફેબ્રુઆરીની સાંજે ‘સામુદાયિક સશક્તિકરણ અને ગરીબી નિવારણ માટે ગ્રામીણ પ્રવાસન’ વિષય પર એક સાઇડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પેનલ ચર્ચામાં સામેલ પેનલિસ્ટોએ પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા અને ગ્રામીણ પ્રવાસનના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રથાઓ, સફળતાની ગાથાઓ, સંભાવનાઓ અને મુદ્દાઓ પર પ્રકાશ પાડતી ચર્ચાઓ કરી હતી. એક અલગ કાર્યક્રમમાં, ધોરડો ગામના વડા (સરપંચ) શ્રી મિયા હુસૈન ગુલ બેગે ગામડાની અર્થવ્યવસ્થા અને આ વિસ્તારમાં રોજગારની તકોના સર્જન પર રણ ઉત્સવ જેવી પ્રવાસન માળખાના વિકાસ અને પ્રવાસન પ્રોત્સાહનની પ્રવૃત્તિઓની સકારાત્મક અસર પર પ્રકાશ પાડ્યો હતો.
ઉદ્ઘાટન સત્ર દરમિયાન, ભારતીય મહાનુભાવોએ ભારતીય પ્રવાસન સ્થળો, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં, પ્રવાસીઓની સલામતી, પર્યટન ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન અને સ્થાનિક અર્થતંત્ર તેમજ રોજગાર પર પ્રવાસનની થતી અસર વિશે પોતાના મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું.
કાર્યકારી જૂથની બેઠક દરમિયાન “ટકાઉ, જવાબદાર અને પ્રતિરોધક પ્રવાસન ક્ષેત્ર માટે પ્રવાસન ક્ષેત્રને હરિત બનાવવા” ગ્રીન ટૂરિઝમ, “પ્રવાસન ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા, સમાવેશિતા અને ટકાઉપણાને પ્રોત્સાહિત કરવા ડિજિટલાઇઝેશનની ક્ષમતા કેળવવા” ડિજિટલાઇઝેશન, “પ્રવાસન ક્ષેત્રમાં નોકરીઓ અને ઉદ્યમિતા માટે કુશળતાઓથી યુવાનોના સશક્તિકરણ” માટે કૌશલ્ય, “પ્રવાસન ક્ષેત્રમાં નવીનતા અને વિવિધતાને ઉત્તેજન આપવા પ્રવાસન MSME/ સ્ટાર્ટઅપ/ ખાનગી ક્ષેત્રને પ્રેરણા” આપવા ટૂરિઝમ MSMEs અને “SDGsના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સર્વગ્રાહી અભિગમો પ્રત્યે સ્થાનોના વ્યૂહાત્મક સંચાલન માટે પુનઃવિચાર” માટે ડેસ્ટિનેશન મેનેજમેન્ટ સહિત પાંચ પ્રાથમિકતા વિષયવસ્તુઓ અંગે ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચા માટે નિર્ધારિત તમામ 5 મુખ્ય અગ્રતાના ક્ષેત્રોને તમામ G20 સભ્યો, અતિથિ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
અવિભાજિત સાંસ્કૃતિક વારસાની શોધ’ થીમ પર ગૌણ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પેનલ ચર્ચામાં વક્તાઓએ પુરાતત્વીય સ્થળોના સંરક્ષણ અને આવી જગ્યાઓ પરના પડકારો અંગે પોતાના મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે સ્થાનિક સમુદાયોના સશક્તિકરણ અને ટકાઉ આજીવિકા માટે પુરાતત્વીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેના ફાયદાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રવાસન સચિવ શ્રી અરવિંદ સિંહે તેમની સમાપન ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, પુરાતત્વીય પ્રવાસન સ્થાનિક સમુદાયોનો સામાજિક આર્થિક વિકાસ ટકાઉક્ષમ રીતે કરી શકે છે.
ધોરડો ટેન્ટ સિટીમાં પ્રતિનિધિઓને તેમના રોકાણ દરમિયાન, સફેદ રણ ખાતે સૂર્યોદય સમયે યોગ સત્રમાં હાજરી આપવાની તક મળી હતી. પ્રતિનિધિઓએ યુનેસ્કોની વિશ્વ ધરોહર સાઇટ ધોળાવીરાની હડપ્પન સાઇટની પણ મુલાકાત લીધી હતી, જ્યાં પ્રતિનિધિઓને ધોળાવીરા ખાતે અસરકારક અને કાર્યક્ષમ જળ વ્યવસ્થાપન વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રતિનિધિઓ સ્થાનિક કચ્છી કળા અને પરંપરાઓથી પણ પરિચિત થયા હતા. સાંસ્કૃતિક સંધ્યા દરમિયાન તેઓ પણ ઉત્સાહપૂર્વક લોક કલાકારો સાથે નૃત્ય કાયમી રીતે જોડાયા હતા. પ્રતિનિધિઓએ અહીંથી પ્રસ્થાન કરતા પહેલા ભુજમાં અત્યાધુનિક સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.