Site icon Revoi.in

કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું બીમારીથી નિધનઃ સદગતના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા

Social Share

ભૂજઃ કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનું  અવસાન થતા કચ્છમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજીનું ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે શારીરિક બીમારીની સારવાર દરમિયાન  84 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી સમગ્ર કચ્છ પંથક સાથે દેશના રાજ પરિવારમાં દુઃખની લહેર ફેલાઈ છે. કચ્છ પ્રત્યેના તેમના સદકાર્યો અને લાગણી સદા લોકોના મનમાં યાદ બની રહેશે.

કચ્છના રાજપરિવારના મોભી સદગત મહારાવશ્રીના અંતિમ દર્શન તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે રાખવામાં આવ્યા હતા. બપોરે એક વાગ્યા બાદ સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર રાજ પરિવારના સ્મશાનગૃહ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. સદગત મહારાવની તબિયત છેલ્લા વીસ દિવસથી નાદુરસ્ત હતી. આ દરમિયાન તેમને કોરોના બીમારી લાગુ પડી ગઈ હતી. જેની સારવાર બાદ બે દિવસ પૂર્વે તેમાંથી સ્વસ્થ થતા રજા પણ મળી ગઈ હતી. પરંતુ કેન્સરની બીમારીની વધુ સારવાર દરમિયાન  તેમનું અવસાન થયું હતું.

પ્રસિદ્ધિ વગરના અનેક ગુપ્ત સેવકાર્યોથી તેઓ વિશેષ લોક ચાહના ધરાવતા હતા. તેમની વિદાયના સમાચાર સમગ્ર કચ્છ, ગુજરાત અને દેશમાં ફરી વળતા અનેક નામાંકિત હસ્તીઓ, રાજ ઘરાનાના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભચાઉના સપૂત અને માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય તથા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ શોકાંજલી પાઠવી હતી.