લાભપાંચમઃ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
અમદાવાદઃ રાજ્યમાં આજે લાભપાંચમીથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ 2022-23માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ-પીએસએસ હેઠળ ખરીદીનો પ્રારંભ થયો છે. 90 દિવસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. 5850, મગનો, રૂ. 7755, અડદનો રૂ. 6600 અને સોયાબિનનો રૂ. 4300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ 2022-23માં ગુજરાતમાં મગફળીના 9.79 લાખ મે.ટન, મગના 95588 મે.ટન, અડદના 23872 મે.ટન અને સોયાબિનના 81820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે.
જે અંતર્ગત મગફળીની ટેકાના ભાવે ખરીદીની રૂ. 5729 કરોડ, મગની રૂ. 76 કરોડ, અડદની રૂ. 158 કરોડ અને સોયાબીનની રૂ. 352 કરોડ મૂલ્ય મળી અંદાજિત કુલ રૂ. 6315 કરોડની ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી માટેનું આયોજન હાથ ધરાયુ છે. જેનો રાજ્યના અંદાજિત 3.50 લાખ ખેડૂતોને લાભ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. વેચાણ કરેલ જણસનું ખેડૂતોને ચૂકવણું સીધુ તેમના ખાતામાં જમા કરવામાં આવશે.