ભૂજને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવવા પોલીસ વિભાગનો શ્રમયજ્ઞ
ભુજ : શહેરને પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકથી મુકત કરવાના આશયથી સામાજિક ઉત્તરદાયીત્વ નિભાવતા પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાદળ દ્વારા શ્રમયજ્ઞ હાથ ધરીને સાફસફાઇ હાથ ધરી હતી. આ કામગીરી અંતર્ગત શહેરમાં હમીરસર તળાવ અને જુના એસ.ટી. બસ સ્ટેશન સહિતના વિસ્તારો આવરી લેવાયા હતા.
સરહદ રેન્જના વડા મહાનિરિક્ષક જે.આર.મોથાલીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાનો વધારાનો હવાલો સંભાળતા પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના અધિક્ષક મયુર પાટિલના માર્ગદર્શન અને દોરવણી તળે લોકજાગૃતિ માટેનો આ ખાસ કાર્યક્રમ શ્રમયજ્ઞના સ્વરૂપમાં યોજાયો હતો. આ ખાસ કામગીરી અંતર્ગત શહેરમાં હમીરસર તળાવ, જુના બસ સ્ટેશન વિસ્તાર, રિલાયન્સ ચકરાવા અને ટપકેશ્વરી સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
જાહેર માર્ગો ઉપર પડેલા પ્લાસ્ટિક અને કચરાને ઉઠાવી તેના નિકાલ સહિતની સાફસફાઇની કાર્યવાહી પોલીસદળના વિશાળ કાફલાએ કરી હતી. જે શ્રમયજ્ઞમાં છ ટ્રેકટર ભરાય તેટલો કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરાયો હતો. કામગીરીમાં પોલીસદળની જુદીજુદી છ ટુકડીમાં 60 જણ જોડાયા હતા.
તેવી વિગતો વડામથકના નિવાસી સબ ઇન્સ્પેકટર એસ.એમ.ચૌહાણે આપી હતી. પોલીસદળના વડામથકના નાયબ અધિક્ષક બી.એમ. દેસાઇએ આ પ્રસંગે પર્યાવરણની જાળવણી ઉપર ભાર મુકતા લોકો સફાઇ બાબતે જાગૃત બને તેમ જણાવ્યું હતું. તેમણે શહેરમાં વ્યવસાય કરનારાઓને પણ સફાઇ બાબતે તકેદારી રાખવા માટે અપીલ કરી હતી. તો આ પ્રકારના સામાજિક કાર્ય માટે સૌના સહિયારા જોડાણની હિમાયત કરી હતી.